નવરાત્રી- દશેરાના તહેવાર સંદર્ભે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું છે. નવરાત્રીના હેવારના સમયગાળા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને, એકત્રિત માનવમેદનીના સંચાલન વગેરે બાબતે ચોક્સાઇ અને તકેદારી રાખી શકાય તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૩૩(૧) અન્વયે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નવરાત્રી ગરબા યોજતી સંસ્થા-વ્યક્તિઓ માટે તેમજ દશેરાને ધ્યાનમાં રાખી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આસો નવરાત્રી પર્વ ની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે તા.૦૫ ઓક્ટોબર દરમિયાન નવરાત્રી- દશેરાના તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર સંદર્ભે શહેરી વિસ્તારોમાં અન્ય જિલ્લા, રાજયમાંથી ઓરકેસ્ટ્રા ગૃપોને બોલાવવામાં આવતા હોય છે સાર્વજનિક રીતે શેરી ગરબા, દાંડીયા રાસ, સંસ્થાઓ દ્વારા મ્યુઝિકલ નાઇટસના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે દરેક સંસ્થા/ વ્યક્તિએ ગરબા -ગરબીના આયોજન અંગેનું પરફોર્મન્સ પ્રિમાઇસિસ લાયસન્સ સબંધિત વિસ્તારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી પાસેથી મેળવવાનું રહેશે. નવરાત્રી દરમિયાન લાઉડ સ્પીકર- પબ્લીક એડ્રેશ સીસ્ટમ રાત્રીના ૧૨-૦૦ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે, લાઉડ સ્પીકર વગાડવાની પૂર્વમંજુરી અલગથી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી પાસેથી મેળવવાની રહેશે., ગરબીના આયોજકોએ સંસ્થા તથા મંડળનું નામ, આયોજકો તથા અન્ય કાર્યકરોના નામ, મોબાઇલ નંબર સહીતની સંપૂર્ણ વિગતો સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનને આપવાની રહેશે, ગરબા -ગરબીના આયોજનના સ્થળે તમામ વ્યક્તિઓના ફોટો આઇડી કાર્ડની ચકાસણી કરવી તેમજ ઓળખકાર્ડ આપીને જ પ્રવેશ આપવાનો રહેશે.
ઇલેકટ્રિક અંગેના કનેકશનો સંબંધિત ઓથોરિટી પાસેથી મેળવી લેવાના રહેશે તેમજ આકસ્મિક સંજોગોમાં ઇમર્જન્સી લાઇટ, પાવર સપ્લાય બેકઅપ માટે જનરેટર /ઇન્વર્ટરની વ્યવસ્થા આયોજકોએ જાતે જ કરવાની રહેશે. સિક્યુરિટીની વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે, સિક્યુરિટીનો ડ્રેસ કોડ રાખવો તેમજ તેની સંપૂર્ણ વિગત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. ગરબાના સ્થળે, દરેક એન્ટ્રી પોઇન્ટ તથા પાર્કીંગની જગ્યાએ નાઇટ વિઝનવાળા હાઇ રિઝોલ્યુશન સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે તેમજ સી.સી.ટી.વી ડી.વા.આ- સીડીનું બેકઅપ ત્રણ માસ સુધી સાચવવાનું રહેશે તથા કરેલ રેકોર્ડીંગની સીડી- બેકઅપ પોલીસ કન્ટ્રોલરૂમને આપવાની રહેશે, દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર રાખવા, પાર્કિંગ માટે પૂરતી જરૂરી સાઈન બોર્ડ સાથેની વ્યવસ્થા રાખવાની રહેશે તેમજ ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે જરૂરી તકેદારીના પગલા લેવાના રહેશે, ગરબાના આયોજનના સ્થળે ફાયરબોલ્સ-એક્ટીંગ્યુશર, ફ્રસ્ટ એઇડ બોક્સ તથા સેનીટેશનની વ્યવસ્થા રાખવાની રહેશે તેમ વધુમાં જણાવાયું છે. આ જાહેરનામું તા.૦૫ ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કે ભંગ કરાવવામાં મદદગારી કરનાર પોલીસ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ -૧૩૧ તથા ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.