મા અંબાના આરાધના પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે નવરાત્રીની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા ગરબાની મોજ માણવામાં આવી હતી. સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની સાથે ગરબાની મોજ માણી હતી.
સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી શ્રીમતી જયાબેન વલ્લભભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાલભવનથી લઈને ધોરણ 12 સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 3,000 થી વધુ વિદ્યાર્થીઓએ તથા તેમના વાલીઓએ હાજર રહીને ગરબાની મોજ માણી હતી. દર વર્ષે નવરાત્રીનું શાળા પરિવાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે નવરાત્રીમાં અતિથિ તરીકે ખજૂરભાઈ ઉર્ફે નિતીન જાનીએ હાજર રહીને વિદ્યાર્થીઓને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું. નવરાત્રીમાં માં અંબાની આરાધના સાથે બાળકો મન મુકીને ઝૂમયા હતા નાની બાળાઓથી લઈને મોટા લોકોએ પણ ભાગ લીધો હતો કોરોનાકાળ દરમિયાન બાળકો નવરાત્રી માણી શક્યા ન હતા જેને લઈને ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા