પાટણના સરસ્વતી તાલુકાના ભાટસણ પ્રાથમિક શાળામાં બનેલા N FOR NEWS સ્ટુડિયોને ડી.પી.ઓ એ ખુલ્લો મૂક્યો સરસ્વતી તાલુકાની ભાટસણ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષક નિલેશભાઈ શ્રીમાળી અને શાળાના આચાર્ય શૈલેષભાઈ સુથાર તથા સમગ્ર સ્ટાફના સહકારથી એન ફોર ન્યુઝ સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે . જેમાં વિદ્યાર્થીની બહેનો દ્વારા સમાચાર વાંચન કરવામાં આવે છે અને મહાનુભાવોના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે . જે અંતર્ગત સ્ટુડિયો નું ઉદઘાટન કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નેહલભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા . તેમની સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ . બી મકવાણા પણ હાજર રહ્યા હતા . શાળા પરિવાર અને સ્ટુડિયો ટીમ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું . જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્ટુડિયોની મુલાકાત લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો તથા આ પ્રકારનું ઇનોવેટીવ કામ કરનાર શિક્ષક નિલેશભાઈ શ્રીમાળી , આચાર્ય શૈલેષભાઈ સુથાર તથા સમગ્ર સ્ટાફને અભિનંદન આપ્યા હતા . ઈન્ટરવ્યૂ બેઝ્ડ ન્યૂઝ સ્ટુડિયો જેમાં મહાનુભાવોના ઈન્ટરવ્યૂ પણ દીકરીઓ દ્વારા કરવામાં આવે છે . શાળામાં નિયમિત હોય અને શ્રેષ્ઠ હાજરી ધરાવતી દીકરીઓને અગ્રતા આપવામાં આવે છે , જેના કારણે ગેરહાજરનું પ્રમાણ ઘટ્યું છે . તો સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ભાષાકીય અધ્યયન નિષ્પતિઓને ધ્યાનમાં રાખીને સમાચારનું વાંચન દીકરીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં ભાષાકીય કેટલીક અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ થાય છે જેમકે આરોહ અવરોહ સાથે વાંચન કરવું , શુદ્ધ ઉચ્ચારો સાથે વાંચન કરવું , સમજીને વાંચન કરવું તથા આત્મવિશ્વાસમાં વધારો વગેરે જેવી બાબતોની સાથે કૌશલ્ય કેળવાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે