રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત ૧ લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી સમગ્ર ભારતમાં બાળકોને લકવામુક્ત બનાવવાના હેતુથી બાળ લકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. જેના પરિણામે દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ બાળલકવા નાબુદ થવાને આરે છે. ત્યારે દેશભરમાં તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા પાંચ વર્ષથી નાની વયના બાળકોને પોલિયો વીરોધી રસી આપવાના અભિયાન હેઠળ રાજકોટ જિલ્લામાં કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં કુલ ૧,૩૮,૭૩૩ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીને સુપેરે પાર પાડવા અર્થે રાજકોટ જિલ્લામાં બાળકોના રસીકરણ માટે કુલ ૯૨૮ રસીકરણ બુથ બનાવવામાં આવ્યા હતા. પ્રત્યેક બુથમાં આરોગ્ય કર્મચારી, આશા વર્કર, આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવકોએ કામગીરી કરી હતી. આ સિવાય ૨૧૧ જેટલા સુપરવાઈઝર્સની પણ નિમણૂંક કરવામાં આવી હતી, તથા અંતરીયાળ વિસ્તારમાં રસીકરણની કામગીરીને વેગ આપવા માટે ૪૫ જેટલી મોબાઈલ ટીમો પણ બનાવવામાં આવી છે. અને રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન તથા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવી જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝીટ ટીમ બનાવવામાં આવી છે. આરોગ્ય ટીમના સભ્યો દ્વારા રસીકરણના અભિયાનના બીજા અને ત્રીજા દિવસે રૂબરૂ મુલાકાત લઈને કોઈ બાળક રસીકરણમાં બાકી ન રહે તેની તકેદારી રાખવાના ભાગ રૂપે તેમના ઘરે જઈને આ કામગીરી પૂર્ણ કરાઇ હતી. આ સમગ્ર કામગીરી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહના નેજા હેઠળ યોજાઈ હતી.