ગુજરાતમાં નવરાત્રી તહેવારનો આજે ત્રીજો દિવસ એટલે આદ્યશક્તિ માં નું ત્રીજું નોરતું છે ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને કારણે ખૈલેયા અને ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે.
આ વરસાદની આગાહી વચ્ચે અત્યારે વડોદરા, રાજકોટ તેમજ દાહોદમાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. વડોદરામાં ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાય ગયા હતા અને કાદવ અને કીચડનું સામ્રાજ્ય જેવા દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત દાહોદમાં વરસાદના ઝાપટાને કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા હતા.
ગુજરાતમાં આગામી દિવસોમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ પાડવાની શક્યતા છે. જયારે ઉત્તર ગુજરાતમાં હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સામાન્ય પડી શકે છે. અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહેશે. ચોમાસાની વિદાય કચ્છમાં થશે જો કે હજુ સંપૂર્ણ ચોમાસુ વિદાય થતા સમય લાગશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.