બોમ્બે હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. આ મામલે આજે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ, બોમ્બે હાઈકોર્ટે ગઈકાલે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ NCP નેતા અનિલ દેશમુખની જામીન અરજી પર સુનાવણી શરૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટે સોમવારે હાઇકોર્ટને દેશમુખની જામીન અરજી પર ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે આ મામલો માર્ચ 2022થી પેન્ડિંગ છે. ત્યારથી, હાઈકોર્ટના ચાર ન્યાયાધીશો રેવતી મોહિતે ડેરે, પીડી નાઈક, ભારતી ડાંગરે અને પીકે ચોહાણે ભૂતપૂર્વ પ્રધાનની જામીન અરજીની સુનાવણીમાંથી પોતાને અલગ કરી દીધા હતા. ગઈકાલે જસ્ટિસ એનજે જમાદારની સિંગલ બેન્ચે જામીન અરજી પર સુનાવણી કરી હતી. દેશમુખના વકીલોએ તેમની દલીલો પૂરી કરી. આ પછી આજે કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલની દલીલો સાંભળી.
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની જામીન અરજી પર એક સપ્તાહની અંદર સુનાવણી કરવા અને તેના પર ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું હતું. દેશમુખ હાલમાં 100 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. દેશમુખની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્ણય ન લેવા અને તેને પેન્ડિંગ રાખવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.