અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં નદીમાં નાહવા પડેલા 4 યુવકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટના ભિલોડા તાલુકામાં આવેલી બુઢેલી નદીમાં બની હતી જ્યાં શિલાદ્રી ગામના 3 પિતરાઈ ભાઈઓ તેમજ અન્ય એક યુવક નદી વિસ્તારમાં ગયા હતા ત્યારે નાહવા પડતાં નદીમાં ડૂબી જવાથી યુવકોના મોત થતાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડા તાલુકાના શિલાદ્રી ગામના 3 પિતરાઈ ભાઈઓ તેમજ અન્ય એક યુવક મળી ચાર લોકો બુઢેલી નદી વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં નાહવા પડ્યા હતા ત્યારે આ ગોજારી ઘટના બની હતી. ચારેય યુવકોની સરેરાશ ઉંમર 15 થી 20 વર્ષ હતી અને ચારમાંથી ત્રણ યુવકો પિતરાઈ ભાઈએ હતા અને પરિવારમાં એકના એક હતા. ત્રણ પરિવારોમાં 3 ભાઈઓના મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોને ભિલોડા કોજેટ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઇ જવાયા હતા.
મૃતકોના નામ અને ઉંમર
અસારી પ્રિતેશ પોપટભાઈ – ઉં.વ. – 15
અસારી રામેશ્વર અશોકભાઈ ઉં.વ. – 16
અસારી દિલખુશ વિપુલભાઈ ઉં.વ. – 17
બાંગા કલ્પેશ અર્જુનભાઈ ઉં.વ. – 20