પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસરે શ્રદ્ધાસુમન અર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદરના શહેરીજનોને યાતાયાતની સુવિધા માટે સીટી બસ સેવાની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ શહેરના શીતલા ચોક ખાતેથી ૧૩ નવી સીએનજી બસને લીલીઝંડી આપી આ પરિવહન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ પોરબંદર-છાયા નગરપાલિકા વિસ્તારના લોકોને આંતરિક પરિવહન માટે ૧૩ નવી બસની સેવા મળી રહેશે. આ બસો સીએનજી હોવાથી પર્યાવરણ સામેના પ્રદૂષણથી પણ બચી શકાશે.
આ નવી ૧૩ સીએનજી બસ શહેરના મુખ્યમાર્ગોના જુદા જુદા રૂટ તેમજ હેરિટેજ સ્થળો ઉપર પહોંચવા માટે પરિવહનની સેવા પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, આ નૂતન સીટી બસ સેવામાં નાગરિકો પ્રથમ દિવસે વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
પોરબંદર ગાંધી – સુદામા નગરી તરીકે જાણીતું હોવાથી તેમજ તેના પૌરાણિક મહત્વના લીધે પ્રવાસીઓ પણ ધસારો રહેતો હોય છે ત્યારે આ સુવિધા સામાન્ય લોકોની સાથે પ્રવાસીઓને પણ એક પરિવહનની સુવિધા મળી રહેશે.
આ ૧૩ નવી બસમાં સીસીટીવી કેમેરા, એલઈડી સ્ક્રીન ડિસ્પ્લે તથા એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે જીપીએસ લોકેશન સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ત્યારે પોરબંદર છાયા વિસ્તારના આંતરિક યાતાયાતનો એક નવો અનુભવ થશે.
આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી નીનામા, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિતના પદાધિકારી અધિકારી અને નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા