૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત આજે યોજાયેલ એકવાટિક સ્પર્ધાઓની પ્રથમ દિવસની ફાઇનલ મેચો આજે સાંજે સરદાર પટેલ સ્નાનાગાર ખાતે યોજાઇ હતી. આ ફાઇનલ ગેમ્સના વિજેતાઓને મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મેયર પ્રદિપ ડવ અને અન્ય મહાનુભાવોના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા. પુરૂષની ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં કર્ણાટકના અનીશ ગૌડાએ ગોલ્ડ, કેરલના સાજન પ્રકાશે સિલ્વર, દિલ્હીના વિશાલ ગ્રેવાલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મહિલા ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં કર્ણાટકના હાશિકા રામચંદ્રે ગોલ્ડ, કર્ણાટક ધિંદિહી દેશિંગુએ સિલ્વર, દિલ્હીના ભવ્ય સચદેવાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પુરૂષ ૧00 મીટર બટરફ્લાય સ્પર્ધામાં કેરલના સાજન પ્રકાશે ગોલ્ડ, આસામના બિક્રમ ચાંગમાઈએ સિલ્વર, બંગાળના સાનુ દેબનાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મહિલા ૧૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધામાં આસામના આસ્થા ચૌધરીએ ગોલ્ડ, કર્ણાટકના તનિશી ગુપ્તાએ સિલ્વર અને કર્ણાટકના નિના વેંકટેશએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પુરૂષ ૧૦૦ મીટર રિલે રેસમાં કર્ણાટક ૧ ટીમે ગોલ્ડ, તામિલનાડુ ૧ ટીમે સિલ્વર અને સર્વિસિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ ૧ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વિમેન્સ ૧૦૦ મીટર રિલે રેસમાં કર્ણાટક ટીમે ગોલ્ડ, મહારાષ્ટ્ર ટીમે સિલ્વર અને તમિલનાડુ ૧ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 3 મીટર સ્પ્રિંગ બોર્ડ મેન્સ ડાઈવીંગ ગેમ્સમાં સર્વિસિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ માંથી સિદ્ધાર્થ પરદેશીએ ગોલ્ડ, એચ. લંડન સિંઘએ સિલ્વર તથા મહારાષ્ટ્રના આદિત્ય ગિરામે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સર્વિસિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ અને કર્ણાટક વચ્ચે યોજાયેલી મેચનો સ્કોર ૨૨-૦૫, બંગાળ અને ગુજરાત વચ્ચે યોજાયેલી મેચનો ૮-૪ મહારાષ્ટ્ર અને પંજાબ વચ્ચે યોજાયેલી મેચનો ૧૯-૦૫ તથા કેરળ મણીપુર વચ્ચે યોજાયેલી મેચનો ૧૫-૦૨ રહ્યો હતો. આ મેડલ સેરેમનીમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવશ્રી વિજય નેહરા, રાજકોટના મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના મહાનુભાવો તેમજ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના સેક્રેટરી જનરલ મોનલ ચોકસી, FINA બ્યુરો મેમ્બર તેમજ એશિયન સ્વિમિંગ ફેડરેશનના વાઇસ પ્રેસીડેન્ટ, વિરેન્દ્ર નાણાવટી, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના અધિકારીઓ, વિવિધ રાજ્યોમાંથી પધારેલા જજ, કોચ, મેનેજરો અને ખેલાડીઓ, પ્રેક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.