પાટણના સિદ્ધપુર શહેરના માતૃવંદના ફ્લેટમાં ધોળા દહાડે ચોરી, રૂ.4.96 લાખની મત્તા લઈને ચોરો ફરાર પાટણ જીલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલા માતૃવંદના ફ્લેટમાં રહેતા નીતાબેન રાજેશભારથી ગોસ્વામી સુરતમાં રહેતાં તેમના મિત્ર કિષ્ણાબેન પટેલના ઘરે નવચંડી હવનનું આયોજન હોવાથી સુરત જવાની તૈયારીઓ કરતા હતા. અને તેમની દિકરી સ્નેહા આશરે સાડા નવ વાગે કોલેજ જવા નીકળી ગઈ હતી. નીતાબેનના ઘરમાં કચરા-પોતાનું કામ કરતાં જ્યોતીબેન રાણાને એમ કહ્યું હતું કે, તમે તમારૂ કામ પતાવીને જતાં રહેજો અને મારો નાનો દિકરો આદિત્ય ઘરે છે. ત્યારબાદ નીતાબેન, તેમનો મોટો દીકરો યોગેશ તથા યોગેશનો મિત્ર મયુર ઠાકોર આશરે સાડા અગિયાર વાગે નીતાબેનની બહેન સોનલબેનની ગાડી લઈને સુરત જવા માટે નીકળી ગયા હતા. ત્યારે તેમનો નાનો દિકરો આદિત્ય તેમના ઘરની સામે આવેલા તેમના ભાડાના મકાનમાં સુઈ રહ્યો હતો, અને તેમનુ ઘર ખુલ્લુ જ હતુ. નીતાબેન અમદાવાદ નજીક અડાલજનું ટોલનાકુ પાર કરતાં હતા ત્યારે તેમની બહેન સોનલબેન નટવરભારથી ગૌસ્વામીએ ફોન કરી કહ્યું હતું કે તમારા ઘરમાં ચોરી થઈ ગઈ છે. તે પછી આ ત્રણેય જણા પરત આવી ગયા હતા. ત્યારબાદ ઘરમાં તપાસ કરતાં તેમના બેડરૂમમાં સામાન વેર-વિખેર પડ્યો હતો, તેમજ તિજોરી તથા ટંકના તાળાં તૂટેલા અને ખુલ્લા પડ્યા હતા. ત્યારબાદ તિજોરીમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, રોકડ રૂ.3,24,000, સોનાની વરખ ચડાવેલ પ્લાસ્ટિકની 6 ચીણીયો કિ.રૂ.28,000, 5 જોડી સોનાની બુટ્ટી જોડી બે તોલાની કિ.રૂ56,000, 4 જોડી ચાંદીની પાયલ કિ.રૂ18,000, 2 સોનાના પેન્ડલ સાથેની ચેન કિ.રૂ.59,000, 2 ચાંદીની ક્રિષ્ણા ભગવાનની સ્મૃતિ મળી ચોરી થયાની જાણ થઇ હતી. ત્યારબાદ તેમણે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં રૂ.4,96,400ની મત્તા ચોરીની ફરિયાદ નોંધાવી હતી, ત્યાબાદ સિદ્ધપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી