પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકારે વિશ્વાસ મત સાબિત કરી દીધો છે. વિશ્વાસ મત દરમિયાન સરકારના પક્ષમાં 93 મત પડ્યા હતા. આ કાર્યવાહી પછી વિધાનસભાનું સ્પેશિયલ સત્ર આજે સમાપ્ત થયું હતું. આ વિશ્વાસ મત પહેલા ભગવંત માને એક એલાન કર્યું હતું. તેમણે ટેકાના ભાવ 360 રૂપિયા વધારીને 380 રૂપિયા પ્રતિ કવીન્ટલ કરવાનો નિર્ણય કર્યો હતો.
વિધાનસભા સત્રની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્યોએ AAPના વિશ્વાસ મતનો વિરોધ કર્યો હતો, પરંતુ થોડા સમય બાદ હંગામો શાંત થઈ ગયો હતો અને ગૃહની કાર્યવાહી લંબાવવામાં આવી હતી. સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે પહેલા પ્રશ્નકાળ આવે છે અને પછી શૂન્ય કલાક આવે છે.આ સંદર્ભમાં તેમણે સભાપતિને ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવાની અપીલ કરી હતી. બાજવાએ કહ્યું કે પંજાબના વાસ્તવિક મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ.
વિધાનસભામાં AAPના 92 ધારાસભ્યો
અગાઉ ધારાસભ્ય નરેન્દ્ર કૌર ભારજે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં ફાયર એન્જિન આપવામાં આવ્યા છે, પરંતુ પૂરતા સ્ટાફના અભાવે વાહનો જેમ તેમ ઊભા છે. આગ લાગવાની ઘટનામાં કોઈ મદદ મળતી નથી અને કર્મચારીઓનો જીવ પણ ગયો છે. જેના કારણે અગ્નિશમન દળના જવાનોમાં ગભરાટનો માહોલ છે. તેમણે સંબંધિત મંત્રીને તેના પર ધ્યાન આપવા વિનંતી કરી હતી.