દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ-વડોદરા સહિત સુરતની જુદી જુદી દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ, અમદાવાદ, અમરેલી, રાજકોટ, પાલિતાણા સહિત સંસ્થાઓની શુભેચ્છા સાથે સુરતમાં આ રાસ-ગરબાનું આયોજન કરાયું હતું.
દિવ્યાંગો માટે આયોજિત કરેલ ગરબા માણવા માટે કોઈપણ વ્યક્તિ જઇ શકે એ માટે તેમાં કોઈપણ એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવ્યા નહોતા. આયોજિત કરાયેલ આ સ્પેશિયલ રાસ-ગરબામાં 800 થી 1000 જેટલા દિવ્યાંગો, 250 થી 300 બહેરા-મુંગા અને બાકીના વિકલાંગ સભ્યોએ હાજરી આપી હતી. કુલ 1500 જેટલા સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવરાત્રિના શુભ અવસર પર માતાજીની ભક્તિ કરી શકાય તેમજ દિવ્યાંગ સભ્યોને આગળ વધવાનું પ્લેટફોર્મ મળે તે હેતુથી આ આયોજન કરાયું હતું.
રાસ ગરબામાં 7 દિવ્યાંગ સભ્યોનું સન્માન કરાયું હતું. જેમાં એક દીકરીનું નેશનલમાં ભાગ લેવા માટે સન્માન કરાયું હતું. જેથી તે લોકો ઉત્સાહિત- પ્રોત્સાહિત થાય ને જીવનમાં આગળ વધે. આ કાર્યક્રમનું આયોજન કરનારી સંસ્થા શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ વર્ષ 2014 થી કાર્યરત છે. બીજી સામાજિક પ્રવૃતિઓ તરફ પણ આ સંસ્થા ટૂંક સમયમાં આગળ વધશે.
આ સંસ્થા દ્વારા બીજી સંસ્થાઓને ઉદાહરણ પૂરું પડે એ રીતની ઉમદા કામગીરી થઈ રહી છે. સહયોગી સંસ્થા એક સોચ્ ફાઉન્ડેશનનાં રીતુબેન રાઠી એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી દિવ્યાંગોમાં ઉત્સાહ અને ઉમંગમાં વધારો થયો છે આવનારા સમયમાં પણ એમની સંસ્થા દ્વારા આ પ્રકારનાં કાર્યક્રમો થશે. મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સારું રમતા સભ્યોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.