૩૬માં રાષ્ટ્રીય ખેલના જોશભર્યા માહોલ વચ્ચે રાજકોટમાં બીજા દિવસે સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે તરણની રસાકસીભરી સ્પર્ધાઓ જામી હતી. જેમાં કર્ણાટક અને સર્વિસિસના તરવૈયા સૌથી વધુ ચાર ચંદ્રકો જીતી ગયા હતા. ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ-પુરુષની સ્પર્ધામાં મધ્યપ્રદેશના અદ્વૈત જૈન અને ગુજરાતના આર્યન નહેરા વચ્ચે ભારે રસાકસી સર્જાઈ હતી. આખરે અદ્વૈત જૈને પ્રથમ ક્રમે રહી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી લીધો હતો. જ્યારે આર્યને રજત ચંદ્રક, તો કર્ણાટકના અનીશ ગોવડાએ ત્રીજા ક્રમે રહી કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ૮૦૦ મીટર ફ્રી સ્ટાઇલ મહિલાઓની સ્પર્ધામાં દિલ્હીની ભવ્યા સચદેવાએ સુવર્ણ ચંદ્રક જીતીને મેદાન મારી ગઈ હતી. તેલંગાણાની વૃત્તિ અગરવાલ બીજા ક્રમે રહી રજત ચંદ્રક તો કર્ણાટકની અસ્મિતા ચંદ્રાએ ત્રીજા ક્રમે રહી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ૨૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક પુરુષની સ્પર્ધામાં સર્વિસિસ સ્પોર્ટસ્ કંટ્રોલ બોર્ડ (એસ.એસ.સી.બી.) એસ. પી. લિકીથએ સુવર્ણ, તમિલનાડુના એસ. દનુશએ રજત તો એસ.એસ.સી.બી.ના સ્વદેશ મોંડલએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાની સ્પર્ધામાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ સુવર્ણ, પંજાબની ચાહત અરોરાએ રજત તો કર્ણાટકની હર્ષીથા જયરામએ કાંસ્યચંદ્રક પોતાના નામે કરી લીધો હતો. ગુજરાતની કલ્યાણી સક્સેનાએ શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક જીતવાનો જુસ્સો દર્શાવ્યો હતો. જો કે તે ચોથા ક્રમે રહી હતી. ૪ બાય ૧૦૦ મીટર મિડલે પુરુષની સ્પર્ધામાં એસ.એસ.સી.બી.ની ટીમે સુવર્ણ, કર્ણાટકની ટીમે રજત તો દિલ્હીની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુની ટીમ વચ્ચે ભારે ઉત્તેજનાપૂર્ણ રસાકસી જામી હતી. આખરે કર્ણાટકની ટીમએ સુવર્ણ, મહારાષ્ટ્રની ટીમે રજત જ્યારે બંગાળની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે ૩ મીટર સ્પ્રિંગ બોર્ડ મહિલાઓની સ્પર્ધામાં મહારાષ્ટ્રની હ્રુતિકા શ્રીરામે સુવર્ણ, મધ્યપ્રદેશની પલક શર્માએ રજત તથા મહારાષ્ટ્રની એશા વાધમોડે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. આજે વોટરપોલો-મહિલા સ્પર્ધામાં કેરળ અને કર્ણાટકની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કેરળની ટીમ ૨૩ ગોલ સાથે વિજેતા બની હતી. તો મહારાષ્ટ્રની ટીમે ૨૫ ગોલ સાથે મણિપુરની ટીમને ધોઈ નાંખી હતી. બીજી તરફ વોટરપોલો પુરુષોની સ્પર્ધામાં સર્વિસિસની ટીમે ગુજરાતની ટીમ પરાજય આપ્યો હતો જ્યારે કર્ણાટકને હરાવી બંગાળની ટીમ વિજેતા બની હતી.