મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RSBVL અને અમેરિકન ફર્મ સનમિના કોર્પોરેશને આશરે રૂ. 3,300 કરોડના મૂલ્ય સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સંયુક્ત સાહસ સ્થાપવા માટેનો સોદો પૂર્ણ કર્યો છે. બંને કંપનીઓ દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
આ મુજબ, રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ (RSBVL) આ સાહસમાં 50.1 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે સનમિના પાસે 49.9 ટકા હિસ્સો રહેશે. RSBVL 1,670 કરોડનું રોકાણ કરીને સનમિનાના હાલના ભારતીય એકમમાં આ હિસ્સો હસ્તગત કરશે. આ રોકાણ બાદ, સનમિનાની ભારતીય આર્મને $200 મિલિયનથી વધુ મૂડી રોકાણ સાથે સંયુક્ત સાહસમાં રૂપાંતરિત કરવામાં આવશે.
નાણાકીય વર્ષ 2021-22માં, RSBVLની આવક રૂ. 1,478 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 179.8 કરોડ હતો. માર્ચ 2022ના અંતે તેનું કુલ રોકાણ રૂ. 10,857.7 કરોડ હતું. બંને કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસમાં દૈનિક કામગીરીનું સંચાલન ચેન્નાઈ સ્થિત મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવશે. નિવેદનમાં જણાવાયું છે કે આ સાહસ ભારતમાં વિશ્વ કક્ષાની ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધા સ્થાપિત કરશે. આ સાહસ ઉચ્ચ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેર અને કોમ્યુનિકેશન નેટવર્કિંગ, મેડિકલ અને હેલ્થ સિસ્ટમ્સ અને ડિફેન્સ અને એરોનોટિક્સ સેક્ટર પર વિશેષ ભાર મૂકશે.