અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા, જેમાંથી એક પાયલટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ શહીદ થયા હતા. જયારે બીજા પાયલટને ગંભીર હાલતમાં નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર સવારે નિયમિત ઉડાન માટે રવાના થયું હતું. હેલિકોપ્ટર સવારે લગભગ 10 વાગ્યે ક્રેશ થયું હતું. અકસ્માત બાદ બંને પાયલટોને ગંભીર હાલતમાં સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ શહીદ થયા હતા. હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ હાલ જાણી શકાયું નથી, એ અંગે હાલ માહિતી મળી શકી નથી.
જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. આ પછી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ 9 મહિનાથી વધુ સમયથી ખાલી રહ્યું હતું. તાજેતરમાં નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવ્યા છે. 15 ઓગસ્ટ 2019 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી CDS ના પદની જાહેરાત કરી.