ટંકારાના મીતાણા નજીક કાર ઝાડ સાથે અથડાઈ, કારમાં સવાર ચાર મિત્ર પૈકી બેના મોત
ગરબી જોઇને પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો
બે મિત્રોના મોત, બે યુવાનને ઈજા થતા સારવારમાં
મોરબી રાજકોટ હાઈવે પર બુધવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં મોરબીના ચાર યુવાનો રાજકોટ ફરવા અને ગરબી જોવા ગયા હોય જ્યાંથી પરત ફરતી વેળાએ મીતાણા નજીક કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનના કમકમાટીભર્યા મોત થયા હતા તો બે યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા ગામ નજીક વહેલી સવારના સુમારે સ્વીફ્ટ કાર જીજે ૦૩ ઈઆર ૪૨૦૦ વાળી ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી જેમાં મોરબીના નવી પીપળી ગામે રહેતા જય જીતેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ.૨૬) નું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે કારમાં સવાર મોરબીના ત્રાજપરમાં રહેતા રોહિતભાઈ ડાયાભાઇ કોળી (ઉ.વ.૧૭), રૂપેશભાઈ મનજીભાઈ ધોળકીયા (ઉ.વ.૧૮) અને ગોપાલભાઈ અગેચણીયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન રોહિતભાઈ કોળીનું મોત થયું છે જ્યારે અન્ય બે યુવાનની સારવાર ચાલી રહી છે
મોરબીના ત્રાજપર અને પીપળી ગામના રહેવાસી ચાર યુવાન મિત્રો કારમાં રાજકોટ ગરબી જોવા ગયા હતા અને વહેલી સવારે પરત ફરતી વેળાએ કાળનો ભેટો થયો હતો બે યુવાનોના મોતને પગલે પરિવારમાં હૈયાફાટ રૂદન ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે તેમજ અકસ્માતની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે