લીંબડી તાલુકાના ટોકરાળા ગામના સંજયકુમાર જાદવે સુરેન્દ્રનગર જિલ્લાના લોક સરકાર ઈન્ચાર્જ તેમજ કોગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે 9 વર્ષથી કોગ્રેસમાં સક્રિય રીતે કામ કરતા યુવાને રાજીનામું ધરી દેતાં આગામી સમયમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
….ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું મોકલતાં સંજયભાઈ જાદવે જણાવ્યું હતું કે 3થી 4 વર્ષથી કોગ્રેસમાં દલિત, મુસ્લિમ, આદિવાસી વગેરે સમાજના લોકોનું શોષણ તેમજ અવગણના થઈ રહી છે. હાલના કોંગી નેતાઓની કાર્ય પધ્ધતિના કારણે નાના કાર્યકરો ગમે તેટલી મહેનત કરે તો પણ પરિણામ મળતું નથી. નેતાઓએ પોતાના હિત માટે કોંગ્રેસને પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી બનાવી દીધી છે. ચૂંટણીમાં કોગ્રેસના મેન્ડેટોમાં ગોલમાલ થવા લાગી છે જેનો તેઓ ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતુ. થાનગઢ તાલુકાના કોગ્રેસના મેન્ડેટોમાં ગડબડ થઈ જેના કારણે આખી તાલુકા પંચાયત ભાજપની બિનહરીફ થઈ હતી. સુરેન્દ્રનગરની 3 જિલ્લા પંચાયતની સીટ ભાજપની બિનહરીફ થઈ હતી. લીંબડી તાલુકા પંચાયતની ઉંટડીની સીટ માટે ચૂંટણી લડવા તેમનું નામ નક્કી હતું અને છેલ્લી ઘડીએ નામ હટાવી દેવાયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં દલિત યુવા નેતા સંજય જાદવ ભાજપનો ખેસ ધારણ કરશે.