મેઘાલયની રાજધાની શિલોંગમાં સરકારી શાળાના શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. બે વર્ષ પહેલા નોકરી ગુમાવનારા કોન્ટ્રાક્ટ પરના શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષકોએ બળજબરીથી સચિવાલયમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જ્યારે પોલીસે તેમને અટકાવ્યા, ત્યારે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ થયું.
શા માટે શિક્ષકોએ કર્યું પ્રદર્શન?
બે વર્ષ પહેલા મેઘાલય ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (MTET) પાસ ન કરવા બદલ 800 શિક્ષકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારથી આ શિક્ષકો મેઘાલય ગવર્નમેન્ટ લોઅર પ્રાઈમરી કોન્ટ્રાક્ટ ટીચર્સ એસોસિએશન (MGLPCTA)ના બેનર હેઠળ પ્રદર્શન કરી રહ્યા છે.
પ્રદર્શનમાં ગર્ભવતી મહિલાઓ પણ હતી
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષકો ગુરુવારે સચિવાલયના મુખ્ય દ્વાર પર નોકરી પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. શિક્ષકોએ સચિવાલયમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. પ્રદર્શનમાં બાળકો સહિત શિક્ષકોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પ્રદર્શનમાં ઘણી મહિલાઓ ગર્ભવતી પણ હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય સચિવ ડીપી વહલાંગ પ્રદર્શનકર્તાઓને મળવા માંગતા હતા, પરંતુ પ્રદર્શનકારીઓએ ઓફર ઠુકરાવી દીધી હતી, MGLPCTAના નેતા બિરબોર રિયાંગટેમે કહ્યું કે તેઓ સીએમ કોનરાડ સંગમાને સાત વખત મળ્યા છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી.
પ્રદર્શનમાં રિયાંગટેમ અને પુત્ર પણ ઘાયલ થયા
પ્રદર્શન દરમિયાન રિયાંગટેમ અને તેના બે પુત્રો પણ ઘાયલ થયા છે. તેમણે કહ્યું, ‘મારા બાળકો શાળાએ જવા માંગે છે, પરંતુ હું બે વર્ષથી બેરોજગાર છું. હું તેમને કેવી રીતે ભણવા મોકલું? તેથી જ મારો પરિવાર મને સપોર્ટ કરવા માટે અહીં આવ્યો હતો.’