હળવદ: અકસ્માતમાં ઘવાયેલા યુવકનો જીવ બચાવી 108ની ટીમે પરિવારજનોને રોકડ, ફોન પરત કર્યા
મોરબી જિલ્લામાં 108ના કર્મીઓની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. જ્યાં હળવદ ખાતે એક યુવક અકસ્માતમાં ઘાયલ થયો હતો. ત્યારે તેની પાસે રહેલા રોકડા રૂ.32,500 અને મોબાઇલ સહિતની ચીજવસ્તુઓને 108ના કર્મીઓ દ્વારા તેના પરિવાજનોને આપવામાં આવી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 35 વર્ષીય અવસરભાઈ કુમાભાઈ વાઘેલા બાઈક પર ધ્રાંગધ્રા રોડ પર શનિદેવ મંદિરની સામેથી પસાર થતા હતા. એ સમયે તેમનો અકસ્માત થયો હતો. સ્થાનિકો દ્વારા તુરંત 108ને જાણ કરવામાં આવી હતી. જેથી હળવદ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ઇએમટી હરેશભાઈ અને પાયલોટ ગણપતભાઇ દ્વારા અવસર ભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એ વખતે તેમની પાસેથી રૂપિયા 32,500 રોકડા અને એક મોબાઇલ સહિતની ચીજ વસ્તુઓ મળી હતી. જે 108ના કર્મીઓએ તેમના પરિવારજનોને પરત આપી હતી. નોંધનીય છે 108 નાકર્મીઓ દ્વારા હર હંમેશ લોકોનો જીવ બચાવીને તેમની કિંમતી ચીજ વસ્તુઓને તેમના પરિવારને સુપ્રત કરવામાં આવે છે. તથા દેશ અને સમાજમાં પ્રામાણિકતાનો અનેરુ ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે