ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશના વિકાસદરમાં કૃષિ મહત્વનો ભાગ ભજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં અનેકવિધ ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
સરકાર દ્વારા ખેડૂતહિતલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિશાન પરિવહન યોજના, પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજના, મુખ્યમંત્રી કિશાન સહાય યોજના તેમજ નુકશાન વળતર સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
રાજ્યના ખેડૂતો પાકની કાપણી પછી ખેત પેદાશોને કુદરતી આફતોથી પાક બચાવી શક્યે તેમજ પાકનો સંગ્રહ કરી સારો ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે સરકારશ્રી દ્વારા રૂ ૫૦ હજારની મર્યાદામાં તથા યુનિટ ખર્ચમાં ૫૦ ટકા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત સહાય મળે છે. જેમાં પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૮૪ પાક સંગ્રહ સ્ટ્રક્ટચર માટે રૂ.૪૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં રાજ્યના કિશાનો પણ અન્ય કરતા પાછળ ન રહે તેમજ ટેકનોલોજીના માધ્યમથી કૃષિ ક્ષેત્રમાં પ્રગતિ થાય તેમજ રાજ્યના ખેડૂતો પોતાના ઉત્પાદનો બીજા બજારો સુધી પહોંચાડી શકે તે હેતુથી સરકાર દ્વારા કિશાન પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સામાન્ય વર્ગના ખેડૂતોને ૨૫ ટકા લેખે રૂ.૫૦ હજાર અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે ૩૫ ટકા લેખે રૂ.૭૫ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. કિસાન પરિવહન યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૯ વાહનો માટે રૂ.૬ લાખ ૫૦ હજારની સહાય આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના ખેડૂતહિતલક્ષી ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂત કુટુંબોને પ્રતિવર્ષ રૂ.૬ હજારની સહાય કુલ ત્રણ હપ્તા ચાર માસના અંતરે સીધા ખેડૂતોનાં બેંક એકાઉન્ટમા જમા કરવામા આવે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં દસ હપ્તાના કુલ રૂ.૧૦૩.૬૦ કરોડ લાભાર્થી ખેડૂતોનાં ખાતામાં સીધા જમાં કરવામાં આવ્યા છે.
કુદરતી આફતોથી રક્ષણ મેળવવા તેમજ ખેડૂતોને આર્થિક નુકશાન ના થાય તે માટે સરકાર દ્વારા ખેતી પાકની નુકસાન વળતર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં થયેલ અતિભારે વરસાદથી થયેલ નુકશાન સામે ૨૯ હજારથી વધુ ખેડૂતોને રૂ.૪૬.૪૬ કરોડની સહાય ચુકવવામાં આવી છે.
સરકારની અનેકવિધ ખેડૂતહિતલક્ષી યોજનાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવામાં મહત્વની સાબિત થઈ છે તેમજ છેલ્લા પાંચ વર્ષમાં પોરબંદર જિલ્લામાં કુલ રૂ.૨૮૯૫.૭૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે સરકારના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ ખેડૂતોની જાગૃતિની એક નવી પહેલ પણ શરૂ કરવામાં આવી છે.