36માં નેશનલ ગેમ્સ પૈકીની ભાવનગર ખાતે રમાઈ રહેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિમેન્સ ટીમનો રાજસ્થાન સામે લીગ મેચમાં પરાજય થયો હતો. વિમેન્સ વિભાગમાં રાજસ્થાનની ટીમ એ ગુજરાતને 3-1થી પરાસ્ત કર્યું હતું. પ્રથમ સેટ ગુજરાતની ટીમ સારું રમી હોવા છતાં 25,-19 ના સ્કોર થી ગુમાવ્યો હતો. બીજા સેટમાં ગુજરાતની ટીમે કોમ્પેક્ટ કરી અને 25- 20 થી સેટ જીતી લઈ અને મેચમાં વાપસી કરી હતી. પરંતુ ત્યારબાદના બંને સેટ રાજસ્થાનની ટીમ એ 25-22 અને 25-15 થી જીતી લઈ અને મેચમાં વિજય મેળવ્યો હતો. સતત બે લીગ મેચમાં પરાજય મેળવ્યા બાદ ગુજરાત વિમેન્સ ટીમના કેપ્ટન ચેતના વાળા એ જણાવ્યું હતું કે રાજસ્થાન સામેની મેચમાં અમારી ટીમ એ ખૂબ સારો દેખાવ કર્યો હોવા છતાં હારી ગઈ હતી. મેચના નિર્ણાયક તબક્કાઓમાં લીડ કવર કરવામાં અમે નિષ્ફળ રહ્યા હતા. છતાં અમારી મેડલ જીતવાની આશા જીવંત છે. વિમેન્સ વિભાગની અન્ય લીગ મેચોમાં કેરળની ટીમે એક તરફી મેચમાં તામિલનાડુને 3-0થી તથા પશ્ચિમ બંગાળની ટીમે કર્ણાટકને 3-0થી પરાજય આપ્યો હતો. મેન્સ વિભાગમાં કર્ણાટક અને સર્વિસીસની વચ્ચેની મેચ માં ખાસી કટોકટી સર્જાઈ હતી. અંતે કર્ણાટકની ટીમે સર્વિસીસ ને 3-2થી પરાજય આપ્યો હતો. પ્રથમ સેટ કર્ણાટકની ટીમે 25-22 થી જીતી લીધા બાદ બીજા સેટમાં 32-30 થી સર્વિસીસને પાછળ રાખી દીધું હતું. ત્રીજા સેટથી સર્વિસીસની ટીમે પણ મેચમાં વાપસી કરી અને 21-25 તથા 22-25ના સ્કોરથી મેચનો સ્કોર 2-2 ની બરોબરી પર લાવી દીધો હતો. નિર્ણાયક સેટમાં કર્ણાટકની ટીમે 15-11 થી સેટ જીતી લઈ અને મેચ પણ જીતી લીધી હતી.