કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ સુરક્ષા એજન્સી એક્શનમાં આવી ગઈ છે. રવિવારે મોડી સાંજે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. અનંતનાગના તંગપાવા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે અનંતનાગના તંગપાવા વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે અને સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે.
થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. દ્રાચમાં થયેલી આ અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 3 સ્થાનિક આતંકવાદીઓ મરાયા હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓ હનાન બિન યાકુબ અને જમશેદ તાજેતરમાં જ થયેલી SPO જાવેદ ડારની હત્યામાં સામેલ હતા. આ હત્યા 2 ઓક્ટોબરે પુલવામાના પિંગલાનામાં થઈ હતી. આ પહેલા 24 સપ્ટેમ્બરે પુલવામામાં પશ્ચિમ બંગાળના એક મજૂરની પણ હત્યા કરવામાં આવી હતી. તેઓ પણ તેમાં સામેલ હતા.
મૂલુમાં એન્કાઉન્ટર
મુલુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બીજું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં પણ એક સ્થાનિક આતંકવાદીના મોતના સમાચાર છે. ADGP કાશ્મીર વિજય કુમારે આ જાણકારી આપી છે.
કાશ્મીરમાં સતત થઈ રહ્યો છે આતંકવાદીઓનો સફાયો
આ પહેલા જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર બારામુલ્લાના પાટન વિસ્તારના વિદ્દીપોરામાં થયું હતું. આ સિવાય શોપિયન જિલ્લાના ચિત્રગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સાથેની અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
કુલગામના બટપુરા ગામમાં તાજેતરમાં જ મરાયો આતંકી
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે સુરક્ષા દળોને કુલગામના અહવાતુ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જે બાદ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગયા સોમવારે, કુલગામના જ બટપુરા ગામમાં એક એન્કાઉન્ટર થયું હતું, જેમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જિલ્લાના બટપુરા ગામમાં અથડામણમાં બે નાગરિકો અને એક જવાન પણ ઘાયલ થયા હતા.