સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવના આજે બપોરે 3 વાગ્યે સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રીય રાજકરણના દિગ્ગ્જ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહના નિધનથી રાજકીય નેતાઓ દ્વારા વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સપાના સ્થાપક અને દિગ્ગ્જ નેતાના મૃત્યુના સમાચાર તેમના દીકરા અખિલેશ યાદવ દ્વારા ટ્વિટર પર આપ્યા હતા અને લખ્યું હતું કે મારા પિતાજી અને આપ સૌના નેતા હવે આપણી વચ્ચે નથી રહ્યા. મુલાયમ સિંહ યાદવની નાદુરસ્ત તબિયતના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે ઉત્તર પ્રદેશના સૈફઈની મુલાકાત લેશે અને યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. મુલાયમ સિંહ યાદવના નિધનની માહિતી મળતા જ મેદાંતા હોસ્પિટલ પહોંચેલા અમિત શાહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મુલાયમ સિંહ યાદવના નિધન પર પત્ર લખીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ પત્ર અખિલેશ યાદવને લખ્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મીડિયા સાથે વાત કરતા મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, માત્ર 3 દિવસ પહેલા જ હું તેને હોસ્પિટલમાં મળ્યો હતો. ત્યારે તેમની હાલત હજુ પણ નાજુક હતી. તેમના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહના નિધન પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, તેમના નિધનથી ખૂબ જ દુઃખી છું. કટોકટી દરમિયાન લોકશાહીના રક્ષણ માટેના તેમના સંઘર્ષ અને ભારતીય રાજકારણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે. ભગવાન પુણ્યશાળી આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને શક્તિ આપે. મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કરતા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું કે, તેમના નિધનથી મને દુઃખ થયું છે. તેમણે ઉત્તર પ્રદેશ અને દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જાહેર જીવનમાં, ખાસ કરીને સમાજવાદી ચળવળમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ મુલાયમ સિંહ જી યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, “મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયું. સ્વયં નેતાજી બહુપરીમાણીય વ્યક્તિત્વથી સમૃદ્ધ હતા. તેઓ ભારતીય રાજકારણમાં એક અસરકારક નેતા હતા જેમણે માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ દેશના વિકાસમાં પણ ઘણું યોગદાન આપ્યું હતું. તેમનું નિધન ભારતીય રાજકારણ માટે મોટી ખોટ છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર અને ચાહકોને શક્તિ આપે.