રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયા-ક્રિમીઆને જોડતા કેર્ચ રેલ-રોડ બ્રિજના બ્લાસ્ટિંગ અંગે તપાસકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે. પુતિને તપાસ સમિતિના અધ્યક્ષ એલેક્ઝાંડર બેસ્ટ્રીકિન સાથે ક્રિમીઆ બ્રિજ પરના હુમલાના તમામ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, પુલને વિસ્ફોટ કરવાની કૃત્ય આતંકવાદી હુમલો હતો. યુક્રેનની ગુપ્તચર સંસ્થાએ સમગ્ર બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પુતિને કહ્યું કે આ હુમલો એક આતંકવાદી કૃત્ય છે અને તેનો હેતુ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો હતો.
વિસ્ફોટ બાદ પુલને થયું હતું નુકસાન
શનિવારે રશિયાને ક્રિમિયા સાથે જોડતા એકમાત્ર પુલ પરની એક લારીને ઉડાવી દેવામાં આવી હતી. તે દરમિયાન રોડ અને રેલ્વે માર્ગ પરથી પસાર થતા અનેક ઓઈલ ટેન્કરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. રશિયા આ પુલ દ્વારા યુક્રેનને લશ્કરી સાધનો મોકલે છે.
રશિયાએ 2014માં ક્રિમીઆને કબજે કરી લીધું હતું
2014માં રશિયા દ્વારા ક્રિમિયાને જોડવામાં આવ્યું હતું. રશિયા આ પુલ દ્વારા યુક્રેન યુદ્ધ માટે સૈન્ય ઉપકરણો મોકલતું હતું. આ પુલ કેર્ચ સ્ટ્રેટ પર છે. આ પુલને 2018માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
યુક્રેન સતત હુમલા કરી રહ્યું હતું
આ પુલ યુક્રેનિયન સૈન્યનું મુખ્ય નિશાન છે. યુક્રેન પોતાની લોજિસ્ટિક્સ રોકવા માટે રશિયન સેના પર સતત હુમલા કરી રહ્યું હતું. આ ક્રોસિંગ યુક્રેન દ્વારા કબજે કરાયેલા પ્રદેશથી 100 માઈલથી વધુ દૂર છે.
પુતિને સુરક્ષા કરી કડક
વ્લાદિમીર પુતિને ક્રિમીઆ નજીક કેર્ચ બ્રિજ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુરક્ષા કડક કરી છે. સુરક્ષા સેવાને તેની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે.રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રિમીયા બ્રિજ માટે સુરક્ષા પગલાં વધારવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. પુતિને ક્રિમીઆને રશિયા સાથે જોડતો એનર્જી બ્રિજ અને ગેસ પાઈપલાઈન સુરક્ષિત કરવાનું પણ આહ્વાન કર્યું હતું.
બ્રિજ પર ટ્રાફિક શરૂ થયો
ક્રિમીઆના ગવર્નર સેરગેઈ અક્સિઓનોવે જણાવ્યું હતું કે, પુલ પર ટ્રેનોની અવરજવર શનિવારની મોડી સાંજે જ શરૂ થઈ હતી અને બે પેસેન્જર ટ્રેનો રવાના થઈ હતી. જ્યારે રવિવારે ફેરી ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત બ્રિજનું ટૂંક સમયમાં સમારકામ કરીને તમામ વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ પુલ રશિયા માટે એટલો મહત્વપૂર્ણ છે કે, પુતિન પોતે તેના ઉદ્ઘાટનમાં સામેલ થયા હતા.