બારડોલી : બારડોલીના તલાવડી વિસ્તારમાં ઘરના લોખંડના પગથિયાં પર ચઢતી વખતે યુવકને કરંટ લાગતાં તેને બચાવવા ગયેલા દાદા પણ વીજ કરંટની ચપેટમાં આવી ગયા હતા. નસીબજોગ યુવકનો જીવ બચી ગયો હતો પરંતુ તેને બચાવનાર દાદા ગંભીર રીતે દાઝી જતાં તેમનું મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના તલાવડી મેદાન વિસ્તારમાં રહેતા નાસિર રસીદ પઠાણ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. રવિવારે રાત્રે તેમનો પુત્ર સુલ્તાન (ઉ.વર્ષ 22) ઘરમાં લોખંડના પગથિયાં ચઢી રહ્યો હતો તે સમયે પગથિયાં પર અર્થીંગ ઊતરતો હોય સુલ્તાનને કરંટ લાગ્યો હતો. આથી તેને બચાવવા માટે તેના દાદા રસીદ હનીફ પઠાણ (ઉ.વર્ષ 58) તેને પકડી પગથિયું છોડાવવા જતાં સુલ્તાન બચી ગયો હતો પરંતુ દાદા રસીદને કરંટ લગતા તેમને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતક ના પુત્ર નાસિરે બારડોલી ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.