બારડોલી : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જોથાણ ગામ નજીક બે મોટરસાઈકલ સામસામે અથડાતા એક મોટર સાયકલ ચાલક યુવકનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે સામેની મોટર સાયકલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં શ્રી રામ એપાર્ટમેન્ટ વિજય નગર 2 માં રહેતા પ્રકાશભાઈ જગદીશ ભાઈ કંટારીયા ( ઉ. વર્ષ 21, મૂળ રહે દડવા ગામ તાલુકો ઉમરાળા જીલ્લો ભાવનગર ) તેના મામાની દીકરી ખુશાલી બેન મોહનભાઈ વાઢેર સાથે મોટરસાયકલ પર ઓલપાડ તાલુકાના કનાજ ગામથી જોથાણ તરફ આવી રહ્યા હતા તે સમયે સામેથી આવતી એક્ટિવા મોટર સાયકલના ચાલકે તેમની મોટરસાયકલ સાથે અથડાવી દેતા પ્રકાશભાઈ અને ખુશાલી નીચે પડી ગયા હતા. પ્રકાશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જ્યારે ખુશાલી ને સામાન્ય ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતાં મૃતકના ભાઇ નિલેશ જગદીશ કંટારીયાએ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે