પાટણ જીલ્લાના હારીજની સરકારી હોસ્પિટલનાં તબીબ પર હુમલાનો પ્રયાસ કરનારને બે વર્ષની સજા હારીજની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં સરકારી તબીબ ઉપર હુમલો કરનારા આરોપીને હારીજની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી અને રૂા . 3500 નો દંડ ફટકાર્યો હતો . આ અંગેની મળતી માહિતી મુજબ ઓક્ટોબર -21 ના સમયમાં જ્યારે કોરોના મહામારીથી આખી દુનિયા ત્રસ્ત હતી અને ડૉક્ટર કોરોના વોરીયર્સ તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હતા તેવા સમયે હારીજની સી.એચ.સી.નાં ડૉ . ડી.એમ. ચૌધરી પોતાની ફરજ બજાવતા હતા તે દરમિયાન જમણપુરના દિલીપકુમાર નર્મદાશંકર દવેએ ડૉક્ટરની પરવાનગી વગર માસ્ક પહેર્યા વગર ડૉક્ટરની ચેમ્બરમાં ઘુસી ગયા હતા જેથી ડૉક્ટરે તેમને માસ્ક પહેરવાનું જણાવતા તેઓ ઉશ્કેરાઇ ગયેલા અને ડૉક્ટરને ઊંચા અવાજે ગાળો બોલવા લાગેલા જેથી સી.એચ.સી.નો સ્ટાફ પણ ચેમ્બરમાં આવી ગયેલો તે સમયે આરોપી દિલીપ સાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ ત્યાં પડેલ ટેબલ ઉંચકીને ડૉક્ટરને માથાના ભાગે મારવાનો પ્રયાસ કરતાં સ્ટાફના માણસોએ આરોપીને પકડી બહાર કાઢેલ.તે વખતે આરોપીએ ડૉક્ટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી જે બાબતે ડૉક્ટરે પોલીસ ફરીયાદ કરી હતી