પાટણમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બેન મકવાણા ના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળાનું આયોજન ભૂલકા મેળા’માં વિવિધ પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લેતા ભૂલકાઓ પાટણમાં આઈ.સી.ડી.એસ શાખા અને પાટણ જિલ્લા પંચાયત દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ ભૂલકા મેળામાં જિલ્લાના કુલ 110 બાળકોએ જુદી-જુદી પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. પાટણના રૂપપુર ખાતે આવેલ ખોડાભા હોલમાં આયોજિત ભૂલકા મેળામાં જિલ્લાના બાળકોએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોની સાથે તેમના વાલીઓ પણ હાજર રહ્યા હતા અને પોતાના બાળકોની આવી પ્રવૃતિઓ જોઈને તેઓ ખુબ પ્રભાવિત થયા હતા. બાળકોએ વિવિધ પ્રવૃતિઓ જેવી કે બાળ ગીત, પપેટ શો, ઉખાણા, બાળવાર્તા, સર્જનાત્મક પ્રવૃતિઓ તેમજ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જુદી-જુદી થીમ પર પ્રદર્શન ગોઠવ્યુ હતુ. આજનો આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદેશ્ય ભૂલકાઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવાનો હતો. પાટણ જિલ્લામાં આયોજિત ભૂલકા મેળામાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ. સોલંકીએ જણાવ્યુ હતુ કે, બાળકોના સર્વાંગી વિકાસમાં વાલીઓની સાથે સાથે આંગણાવાડી કાર્યકરોનો ખુબ મહત્વનો ફાળો છે. આવા કાર્યક્રમો અવાર-નવાર કરવા જોઈએ જેથી બાળકોની સર્જાત્મકતા ખીલી ઉઠે અને તેઓને વિવિધ પ્રવૃતિઓ માટે પ્રોત્સાહન મળી રહે. 3 થી 6 વર્ષના બાળકોએ આજે જે પ્રવૃતિઓ કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે. બાળકોના ભાષા વિકાસ અને સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોનો પાયો મજબુત બનાવવામાં આવી રહ્યો છે. આજરોજ આયોજિત ભૂલકા મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, ચાણસ્મા ધારાસભ્યશ્રી દિલીપ કુમાર ઠાકોર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ગૌરીબેન સોલંકી, તથા જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ અને વિવિધ મહાનુભાવો તેમજ બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા