બારડોલી : ભારતીય જનતા પાર્ટીએ ઉનાઇ થી શરૂ કરેલી ગુજરાત ગૌરવ યાત્રા શુક્રવારે સાંજે બારડોલી પહોંચી હતી. સુરતના સાંસદ તેમજ રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોષની આગેવાનીમાં બારડોલી નગરપાલિકાની સામે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્શના જરદોષે જણાવ્યુ હતું કે જો રાજ્ય અને કેન્દ્રની સરકારનો સમન્વય હોય તો જ વિકાસ તેજ ગતિએ થઈ શકે. હાલ ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતનો વિકાસ ઝડપી બન્યો છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાતના મુસ્લિમો સૌથી સુખી છે. આ પ્રસંગે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને તેના ફાયદાઓ વિષે માહિતી આપી હતી. તેમણે મહિલાઓ પર ભાર મુકતા જણાવ્યુ હતું કે ગુજરાતની મહિલાઓ હવે ખરા અર્થમાં આત્મનિર્ભર બની છે. ભુપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની સરકાર ડબલ એન્જિનની સરકાર જેટ ગતિએ કામ કરી રહી છે. તેમણે રેલ્વે મંત્રાલયની વંદેભારત ટ્રેન વિષે પણ વિસ્તારથી માહિતી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.