સાઉદી અરેબિયાની સરકારે હજ અથવા ઉમરાહ કરતી મહિલાઓ માટે મોટો નિર્ણય લીધો છે. આ મુજબ હવે કોઈપણ મહિલા તેના પુરૂષ સાથી (મહરમ) વગર પણ હજ કે ઉમરાહ માટે સાઉદી અરેબિયા જઈ શકશે. અગાઉ હજ કે ઉમરાહ કરવા માટે મહિલા સાથે પુરુષ હોવો જરૂરી હતો, જેના કારણે ઘણી મહિલાઓ અહીં પહોંચી શકતી નહોતી. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રી ડૉ. તૌફિક બિન ફૌઝાન અલ-રબિયાએ જાહેરાત કરી હતી કે હવે મહિલાઓ કોઈ પણ મહરમ વગર હજ કે ઉમરા કરી શકશે.
આ નિર્ણય અંગે પૂર્વ મંત્રી ઈબ્રાહિમ હુસૈને કહ્યું કે, મહિલાઓને પહેલાથી જ અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. તેમને હજ કે ઉમરાહ કરવા માટે પુરૂષ સાથીઓ શોધવામાં મુશ્કેલી પડે છે. મળે તો પણ મોંઘવારીનો બોજ વધે છે. મહિલાઓને મેહરમ વગર હજ કે ઉમરાહ કરવા દેવાથી તેમનું જીવન સરળ બને છે.
વર્ષ 2022માં ભારતમાંથી લગભગ 80 હજાર મુસ્લિમો સાઉદી અરેબિયા જશે. તેમાંથી પચાસ ટકા મહિલાઓ છે. ભારત સરકારના ડેટા અનુસાર, 2019માં સૌથી વધુ બે લાખ ભારતીય મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા.
મહરમ વગર પણ મહિલાઓ હજ કરવાના નિર્ણય બાદ આરબ સરકારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. દેશના તમામ પરિવહન અને બંદરો માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ નિર્ણયનો સંપૂર્ણ અમલ કરવા માટે એક મજબૂત માળખું, જેમાં ઉત્પીડન વિરોધી કાયદાનો સમાવેશ થાય છે, મૂકવામાં આવ્યો છે.