રાજકોટ શહેરમાં લૂખાગિરીની ઘટના દિવસેને દીવસે વધતી જઇ રહી છે. શહેરમાં જુદી જુદી પાંચ જગ્યાએથી મારામારીની ઘટના સામે આવી છે. આ અંગેની મળતી માહિતી અનુસાર રાધેશ્યામ ગૌશાળા પાસે રહેતા રાધેશ્યામ મોહનલાલ ચૌહાણ નામના 24 વર્ષના યુવાન અને તેમના પત્ની સુમિતાબેન ચૌહાણ પર પાડોશમાં રહેતા ધીરુ અને મંજુએ લાકડી વડે હુમલો કર્યો હતો. રાધેશ્યામ આપેલા રૂ.4800 પરત માંગતા મહિલા સહિત બે શખ્સોએ લાકડી થી માર માર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે. તો બીજી તરફ લક્ષ્મી નગરમાં મેલડી માતાના મંદિર પાસે રહેતી પૂનમ મનુભાઈ કોળી નામની યુવતી પર કિશન રાજુ અને કિરણે પાઇપ વડે હુમલો કર્યાનું સામે આવ્યું છે. યુવતીને માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના બીછાને રહેલી પૂનમ કોળીએ પોલીસમાં જણાવ્યું હતું કે, કિસાન અને રાજુ તથા તેમના ઘરના પૂનમના ઘર પાસે કચરો ફેકતા હોય જે બાબતે ના પાડતા ઉશ્કેરાયેલા બંને શખ્સોએ પાઇપ વડે માર માર્યાનું પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું. ત્રીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે રામ પાર્કમાં રહેતા લધુબેન વિક્રમભાઈ ખાચર નામના 55 વર્ષના મહિલા પર રાજુ, વશુબેનએ દીકા પાટુ નો માર મારતા પ્રોઢાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો ચોથા બનાવમાં રંજનબેન જયંતીભાઈ મકવાણા નામના 39 વર્ષના મહિલા પર મયુર, લાલો, જ્યોતિ અને અજાણ્યા શખ્સોએ કોઈ કારણોસર માર મારતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આખરી બનાવમાં ગાયત્રીનગરમાં વાલેશ્વર પાસે રહેતા જીતેન્દ્રસિંહ નમુભા સોલંકી નામના 51 વર્ષના પ્રૌઢને તેના જ પુત્ર ધ્રુવે માર મારતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તમામ ઘટનાઓની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.