સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વપ્નના ભારતનું નિર્માણ સૌ સાથે મળીને કરીએ : કેન્દ્રીય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત પાલીતાણા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મલ્ટીમીડિયા પ્રદર્શન સાથે વિશેષ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ખુલ્લો મુકાયો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢ દ્વારા આયોજન અમૃત કાળમાં સમૃદ્ધ, સશક્ત અને સંપન્ન રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ કટિબદ્ધ થઈએ :કેન્દ્રીય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે આઝાદી અપાવવા માટે જેમણે બલિદાન આપ્યું, દેશ માટે પૂર્ણ સમર્પણની ભાવના સાથે જેઓ સ્વાતંત્ર સંગ્રામમાં જોડાયાં છે તે તમામ સ્વાતંત્ર સેનાનીઓનું પૂણ્યસ્મરણ કરીને તેમના સ્વપ્નનું ભારત નિર્માણ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ તેમ પાલીતાણા ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો,જુનાગઢ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું. વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી આવનાર ૨૫ વર્ષમાં આ અમૃતકાળમાં સૌ સાથે મળી સમૃદ્ધ ,સશક્ત અને સંપન્ન રાષ્ટ્રનું નિર્માણ કરવાં માટે કટિબદ્ધ થઈએ. આ કાર્ય કરવાં માટે અને યુવાનોમાં રાષ્ટ્રભાવનાની જ્યોતને પ્રજ્વલિત કરવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢનું આ પ્રદર્શન મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા પાલીતાણા ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિનોદ મોરડીયા, પાલીતાણા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ શહેર અને રાજ્યના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ વિશે માહિતી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આઝાદીની સંઘર્ષગાથાને દર્શાવતાં મલ્ટીમીડિયા પ્રદર્શનની સાથે સ્વચ્છ ભારત અભિયાન,મતદાતા જાગૃતિ જેવા વર્તમાન સમયના જનજાગૃતતા અભિયાનો તેમજ કેન્દ્ર સરકારની વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓ અંગેની જાણકારી સાથેનું નિદર્શન પણ સમગ્ર કાર્યક્રમનો એક ભાગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી યોજનાઓ અંગેના જાણકારી અને લાભો આપતાં સ્ટોલ્સ તેમજ જુદા-જુદા અભિયાન અંગે જાગૃતતા ફેલાવતાં તેમજ સખી મંડળ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ્સ આ પાંચ દિવસીય કાર્યક્રમનો મહત્વનો ભાગ છે. મહત્વનું છે કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલ આ કાર્યક્રમ પાંચ દિવસ એટલે કે, તા. ૧૯ મી ઓકટોબર સુધી સવારે ૯-૩૦ થી સાંજના ૭-૦૦ કલાક સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લો રહેશે. કાર્યક્રમમાં પ્રદર્શન સાથે જન જાગૃતતા અને યોજનાઓની જાણકારી અને લાભ આપતાં કાર્યક્રમો તેમજ વિભિન્ન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવાં પાલીતાણાના નગરજનો સહિત આસપાસના ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે.