પાટણ જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જિલ્લા સંકલનની બેઠક આજે પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી. જિલ્લાના પદાધિકારીશ્રી તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં સરકારી યોજનાઓને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં પદાધિકારીશ્રીઓના પ્રશ્નો તેમજ સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં શું આયોજન છે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. પાટણ જિલ્લા સંકલનની બેઠકમાં લોકોની અરજીઓના નિકાલ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પગાર પ્રશ્નો, સરકારી નાણાં વસુલાતની સમીક્ષા, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ચાલતા કેસની તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી જીલ્લા કલેકટરશ્રી દ્વારા જાણકારી મેળવવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે તમામ અધિકારીઓને જીલ્લા કલેકટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેને અગ્રીમતા આપવા માટે જીલ્લા સંકલનમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ યોજનાના લાભાર્થીઓને મળતા લાભો તેમજ આ તમામ યોજનાલક્ષી માહિતીની જાણકારી સંબંધિત અધિકારીઓ પાસેથી જિલ્લા કલેકટરશ્રીએ મેળવી હતી. આજે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સિંઘની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ સોલંકી, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી પી.બી રાઠોડ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.