અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગર પાલિકા વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકી તેમજ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીથી લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે પાલિકાની સામાન્ય સભામાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મોડાસા નગરપાલિકાની સામાન્ય સભા તારીખ 15-10-2022 ના રોજ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પક્ષના નેતા જી. આઈ. ખાલક ની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના સભ્યો અ.હમીદભાઈ ટીંટોઇયા, અંજુબેન કાંકરોલીયા , યુસુફભાઇ મુલતાની, જિન્નતબેન ઇપ્રોલીયા, મહેરુન્નિસા સુથાર, કુલસુલમબેન મુલતાની દ્વારા સામાન્ય સભામાં ચર્ચામાં ભાગ લીધો હતો અને તાર્કિક દલીલો દ્વારા રજૂઆત કરી વિવિધ મુદ્દાઓ વાસ્તવિક સમતોલ વિકાસ ઉપર ભાર મુક્યો હતો.
કોંગ્રેસ પક્ષ તરફથી પ્રધાનમંત્રી યોજનાનો લાભાર્થીઓનો લાભ આપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી, જે વિસ્તારોમાં કાચા મકાનો છે, ઝૂપડાઓ તેમજ માલિકીની જમીન ન હોવાને કારણે તેમજ અન્ય કારણોસર આ વિસ્તારના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અથવા તો અન્ય સરકારી યોજનાનો લાભ ન મળ્યો હોય ત્યાં સર્વે કરીને લાભ આપવામાં આવે તે માટે ધારદાર રજૂઆત કરાઈ હતી, તો રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મોડાસાને 1.97 કરોડ રૂપિયાની ગ્રાન્યું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાંથી કોંગ્રેસ પક્ષ તરફથી કેટલાક કામોને મંજૂર કરવાની માંગ કરાઈ હતી, જેમાં ભાડાની આંગણવાડીની જગ્યાએ નવીન આંગણવાડી બનાવવી, આ સાથે જ ગંદકીની સમસ્યાઓ દૂર કરવી, એલાયન્સ સોસાયટી થી કીડીયાદ સુધીનું નાડિયાનો પ્રશ્ન હલ કરવો અને સી.સી. રોડ બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.
આ સાથે જ AIMIM પક્ષ દ્વારા મોડાસામાં ચાલતા વિવિધ વિકાસલક્ષી કાર્યોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો, આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પ્રજાના ટેક્સના પૈસાનો સદઉપયોગ કેવી રીતે થશે તેના પર તેઓ સતત નજર રાખશે અને જો આવું નહીં થાય તો આગામી દિવસોમાં નગરજનોને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.