ગુજરાત ગૌરવ યાત્રાનું બનાસકાંઠા જિલ્લામાં આગમન થતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડગામ ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાયા હતા. વડગામ તાલુકાના છાપીથી શરૂ થયેલી આ ગુજરાત ગૌરવ યાત્રામાં વડગામ, વગદા, પાલનપુર, ચડોતર અને ડીસા ખાતે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના વડગામ ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનો સત્કાર સમારંભ યોજાયો હતો. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉ. સંજીવકુમાર બાલિયાન સહિતની પ્રદેશની ટીમનું કાર્યકર્તાઓ દ્વારા ઉમંગ, ઉલ્લાસ અને જોશ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત ગાૈરવ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને તેની કાર્યપધ્ધતિથી ગુજરાતના પ્રજાજનો સુપેરે વાકેફ છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં આવ્યાં પછી વિકાસની રાજનીતિની શરૂઆત થઈ છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય, રોજગાર, પાણી, રોડ- રસ્તાઓના કામો કરી ગરીબ લોકોને લાભો આપ્યા છે.
દરેકે દરેક યોજનાનો લાભ ૧૦૦ ટકા લાભાર્થીઓને મળે તેવું આયોજન કર્યું છે. રાજ્યના છેવાડાના માનવી અને વંચિત અને ગરીબ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાનો લાભ મળ્યો છે. ઘરનું ઘર, પાણીનો નળ નાનામાં નાના માણસના ઘરે પહોંચાડ્યા છે. આરોગ્ય સુખાકારી માટે પાંચ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર થકી લોકોને બિમારીમાં ખર્ચની ચિંતામાંથી મુક્તિ અપાવી છે. કોરોના કાળમાં દુનિયાના વિકસીત દેશોએ લોકોને ભગવાન ભરોસે છોડી દીધા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં વિના મૂલ્યે રસીકરણ અને વિનામૂલ્યે રાશન આપવાની વ્યવસ્થા કરી હતી.
મુખ્યમંત્રી સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓએ પોતાના ઘર કે પરિવારની ચિંતા કર્યા વગર કોરોના મહામારીમાં સપડાયેલા લોકોની સેવાનું કામ કર્યુ છે. કોરોના મહામારી પછી સાૈથી વધુ બજેટ ગુજરાત સરકારે આપ્યું છે. નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. આર્થિક રીતે ગુજરાત ખુબ સમૃદ્ધ રાજ્ય છે અને દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. હમણાં વડાપ્રધાનએ બનાસકાંઠા જિલ્લામાં ૧૦ હજાર કરોડના વિકાસ કામોનું ખાતમૂ્ર્હત અને લોકાર્પણ કર્યુ છે. આ વિસ્તારના લોકોની કરમાવત તળાવ ભરવાની વર્ષો જૂની માંગણીને સ્વીકારી સૈંદ્ધાંતિક મંજૂરી આપવાના નિર્ણયની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ રાજ્યની ડબલ એન્જીન સરકારે આ વિસ્તારની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવી ગૌરવ યાત્રામાં જોડાયેલા પ્રજાજનો અને તેમના અદમ્ય ઉત્સાહ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિકાસની મહોરને વધુ મજબૂત બનાવવા પ્રજાજનોને અપીલ કરી હતી.