કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર નેતાઓ વધુ છે પરંતુ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાનાર નેતાઓ જુજ છે. ત્યારે આ યાદીમાં વધુ એક દિગ્ગજ નેતાનું નામ જોડાઈ ગયું છે. સૌરાષ્ટ્ર કોળી સમાજના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય રૂત્વિક મકવાણા સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે ત્યારે એક પછી એક નેતાઓ પાટલી બદલી રહ્યા છે. અસંતુષ્ટ નેતાઓ એક પછી એક પક્ષમાં જોડાઈ રહ્યા છે. તેવામાં પોતાના ટેકેદારો સાથે આજે કોળી સમાજના આ દિગ્ગજ નેતાએ પણ પંજાનો હાથ થામ્યો છે. તેઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
મનુભાઈ ચાવડા ભાજપમાં પૂર્વ પ્રદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. મનુભાઈ કોળી સમાજના વિકાસ નિગમના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં પણ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી છે. કોળી સમાજમાં પ્રભૂત્વ ધરાવતા આ નેતાએ ચૂંટણી પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહી છે. ખાસ કરીને મોટા નેતાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક કેટલાક જે તે સંભવિત ઉમેદવારોમાં અસંતુષ્ટ પણ જોવા મળે છે.