ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિની નિમણૂકના વિવાદ વચ્ચે પરંપરાગત શૈલીમાં 68મો પદવીદાન સમારોહ સંપન્ન તો થયો છે પરંતુ કેટલાક પદાધિકારીઓની ગેરહાજરી રહી હતી. વિદ્યાપીઠમાં ટ્રસ્ટી મંડળની નારાજગી ઉડીને આંખે વળગી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આ સમયે ખળભળાટ મચી ગયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુલપતિ બનતાની સાથે જ ટ્રસ્ટીઓના રાજીનામા એક પછી એક ગઈકાલે પડ્યા હતા. લગભગ 8 જેટલા ટ્રસ્ટીઓએ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પહેલીવાર ટ્રસ્ટી મંડળની સહમતી વિના આ જવાબદારી સોંપવામાં આવતા નારજગી જોવા મળી છે ત્યારે તેઓ હાજર રહી શક્યા નહોતા. કુલપતિને બદલે મહામંત્રીએ આ પદવી એનાયત કરી હતી જો કે, દર વખતે કુલપતિના હસ્તે જ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે. જો કે તાજેતરમાં નિયુક્ત થયેલા કુલપતિ આચાર્ય દેવવ્રતે હજુ સુધી ચાર્જ સંભાળ્યો નથી.
વિદ્યાપીઠના ઈતિહાસમાં પ્રથમ વખત કુલપતિ વગર પદવીદાન સમારોહ
ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં 32 પીએચડી, 15 એમ.ફીલ, 415 અનુસ્નાતક, 410 સ્નાતક અને 56 અનુસ્નાતક ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાપીઠના ઈતિહાસમાં પ્રથમ વખત કુલપતિ વગર પદવીદાન સમારોહ યોજાયો હતો. જોકે આ વિવાદ વચ્ચે રાજીનામું આપનાર કુલપતિ ઈલાબેન ભટ્ટ બિમારીના કારણે આવ્યા ન હતા. આચાર્ય દેવવ્રતે નવા કુલપતિનું આમંત્રણ સ્વીકાર્યું હતું પરંતુ આજે પદવીદાન સમારોહમાં પણ હાજરી આપી ન હતી.