દિલ્હી AIIMSએ સાંસદોની સારવાર માટે VIP વ્યવસ્થા કરી દીધી છે. AIIMSના નવા ડિરેક્ટર ડૉ. એમ. શ્રીનિવાસ તરફથી એક પત્ર સામે આવ્યો છે, જેમાં લોકસભા સચિવાલયને કહેવામાં આવ્યું છે કે સાંસદોને યોગ્ય રીતે સારવાર મળે, એ માટે SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી લેવામાં આવી છે.
આ પત્રમાં ઘણા પોઈન્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સાંસદને ઓપીડી, ઇમરજન્સીમાં બતાવવા માટે અને દાખલ થવા માટે, ત્રણેય સ્થિતિમાં અલગ-અલગ વ્યવસ્થા રહેશે. AIIMS પ્રશાસને આ માટે 24 કલાક માટે કંટ્રોલ રૂમ અને ડ્યુટી ઓફિસરની વ્યવસ્થા કરી દીધી છે. ડ્યુટી ઓફિસર એક ડૉક્ટર હશે, જેની જવાબદારી સાંસદને વિલંબ કર્યા વિના યોગ્ય સારવાર આપવાની રહેશે. આ માટે ત્રણ લેન્ડ લાઇન અને એક મોબાઈલ નંબર પણ જારી કરવામાં આવ્યો છે.
લોકસભા સચિવાલય પહેલા જ આપી શકે છે જાણકારી
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા સચિવાલય અથવા સાંસદનો અંગત સ્ટાફ આ નંબરો પર સંપર્ક કરીને બીમારી વિશે જાણકારી આપી શકે છે. આ સિવાય સાંસદો કયા ડોક્ટરને બતાવશે એ પણ કહી શકે છે. ફોન બાદ તરત જ ડ્યુટી ઓફિસર બીમારી સંબંધિત વિભાગના ડૉક્ટરનો સંપર્ક કરશે અને જો કોઈ ગંભીર બીમારી હોય તો વિભાગના વડાનો પણ સીધો સંપર્ક કરી શકાશે. જે દિવસે એપોઇન્ટમેન્ટ હશે, એ દિવસે સાંસદો એમએસ ઓફિસના કંટ્રોલ રૂમમાં પહોંચી જશે અને એમ્સ વહીવટીતંત્ર તેમને ડૉક્ટર પાસે લઈ જશે.
સાંસદની ભલામણથી આવનાર દર્દીઓની પણ થશે મદદ
આ સિવાય જો કોઈ સંસદસભ્યને કટોકટીની સ્થિતિમાં લાવવામાં આવે છે, તો પેશન્ટ કેર મેનેજર તેને રિસીવ કરશે અને ખાતરી કરશે કે તેને વિલંબ કર્યા વિના સારવાર મળે. આ પત્રના છેલ્લા મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે મીડિયા અને પ્રોટોકોલ વિભાગ સાંસદોની ભલામણથી આવતા દર્દીઓની મદદ માટે કામ કરશે.