ડિફેન્સ એક્સપો-૨૦૨૨ ના શુભારંભ સાથે પ્રધાનમંત્રીએ ડીસાના 52 વિંગ વાયુ સેના સ્ટેશનનો પણ શિલાન્યાસ કર્યો. સુરક્ષાથી વિકાસની ઉડાન ભરવા માટે ડીસા એરબેઝ થશે તૈયાર: નરેન્દ્રભાઈ મોદી. ૨૧ મહિનાના રેકોર્ડ સમયમાં તૈયાર થશે ડીસા એરબેઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ગાંધીનગરથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ તેમણે બનાસકાંઠાના ડીસા ખાતે 52 વિંગ વાયુ સેના (એરફોર્સ) સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસામાં નવા અને આધુનિક એરબેઝને વિકસિત કરવામાં આવશે. ડીસામાં વિકસિત થનારું આ એરબેઝ દેશની વાયુસેનાઓની સીમાઓને સુરક્ષિત રાખવાની રણનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહશે. બનાસકાંઠાના ડીસા ખાતે ૪૫૧૯ એકરમાં બનનારુ આ ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર ૧૩૦ કિલોમીટરના જ અંતરે છે. આ એરબેઝના નિર્માણ થી ગુજરાતની આસપાસના એરબેઝ વચ્ચે ૩૫૫ કિલામીટરનું અંતર ઓછુ થઇ જશે. જેનાથી આપણા લડાકુ વિમાનોના ઓપરેટિંગ રેન્જમાં વધારો થશે. સાથે યુદ્ધ સમયે રિસ્પોન્સ ટાઇમ પણ ઓછો કરી શકાશે. આ એરબેઝ બનવાથી દેશની પશ્ચિમી સીમા પર એક સાથે લેન્ડ અને સી ઓપરેશન કરવાનું સંભવ થશે સાથે જ વડોદરા અને અમદાવાદ જેવા આર્થિક કેન્દ્રોને મજબુત એર ડિફેન્સ મળશે. આ એરબેઝથી ઉડાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતની એર કનેક્ટિવીટી માં વધારો થશે. આ એરબેઝના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઊભી થશે. આ એરબેઝને ફાસ્ટટ્રેક મોડમાં ૨૧ મહિનામાં તૈયાર કરવામાં આવશે. આ એરબેઝ દેશના ડિફેન્સને મજબૂતી અને ગુજરાતના વિકાસને નવી ગતિ આપવાની દિશામાં એક નવો અધ્યાય બની રહેશે.