બારડોલી : ગુજરાત પોલીસ દ્વારા મોસ્ટ લિસ્ટેડ બુટલેગરોને પકડવા માટે આરોપી દીઠ 25 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બારડોલીના બુટલેગર પિન્ટુ ઉર્ફે પિન્ટુ બારડોલી પરસોત્તમ પટેલના માથે પણ ઈનામ જાહેર થતાં બારડોલી વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ IPS નિર્લિપ્ત રાય દ્વારા બુટલેગરો પર સિકંજો કસવામાં આવી રહ્યો છે. દારૂના અનેક ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ બુટલેગરોને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં મોટા બુટલેગરો વિરુદ્ધ દાખલ થયેલા ગુના સંબંધે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેમજ શહેર/જિલ્લાની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવા છતાં આજ દિન સુધી મળી આવ્યા ન હોય અને નાસતા ફરતા હોય તેવા બુટલેગરોને CRPC કલમ 70 મુજબ વોરંટ મેળવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ટોપ પાંચ બુટલેગરોને પકડવા માટે ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ સચોટ માહિતી આપી આવા બુટલેગરને પકડાવશે તે વ્યક્તિને આરોપી દીઠ 25 હજાર રૂપિયાનું ઈનામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જાહેર થયેલા પાંચ બુટલેગરોની યાદીમાં બારડોલીના પિન્ટુ ઉર્ફે પિન્ટુ બારડોલી પરોસત્તમ પટેલ રહે હિદાયત નગર, બારડોલીનો સમાવેશ થાય છે. પિન્ટુ સામે 32 જેટલા દારૂના ગુનાઓ રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે અને તે દસ ગુનાઓમાં વોન્ટેડ છે. પિન્ટુના માથે ઈનામ જાહેર કરવામાં આવતા વિસ્તારના અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના નવાપુર ખાતે રહેતા વિશ્વાસ ભીમરાવ ગડરી, દેવેન્દ્ર ઉર્ફે બંસી રામકુલસિંગ પરિહાર (રહે ચાંદખેડા અમદાવાદ , મૂળ રહે મથુરા, ઉત્તરપ્રદેશ), સુનિલ ઉર્ફે અદો પ્રકાશમલ કેવળરામાણી (રહે વડોદરા) અને સુનિલ ઉર્ફે ભંવરલાલ મોતીલાલ દરજી (રહે ગાંડોલી, જી.ઉદેપુર, રાજસ્થાન)ને પકડવા માટે પણ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.