રાજ્યના પશુપાલકોના ગાભણા પશુઓને પૌષ્ટિક આહાર મળી રહે અને પશુઓના વિયાણ બાદ સમતોલ પશુ આહાર થકી ગાય-ભેંસ અને તેના બચ્ચાની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે થયેલ ઓનલાઈન અરજી અને સરકાર દ્વારા કરાયેલા ડ્રોમા મંજૂર થયેલા સૌરાષ્ટ્રના ૬ જિલ્લાઓના લાભાર્થીઓને અમર ડેરીની દાણ ફેકટરી દ્વારા ઉત્પાદિત કરાયેલ ‘અમુલ પાવર દાણ’ ના વિતરણની આજથી શરૂઆત કરવામાં આવી છે.
અમર ડેરી દ્વારા પશુઓ માટે ૨૦% પ્રોટિન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલથી ભરપુર એવો સમતોલ પશુ આહાર ‘અમુલ પાવર દાણ’ બનાવવામાં આવે છે. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગર સહિત કુલ ૬ જિલ્લાઓના ‘ગાભણ પશુ ખાણ દાણ સહાય યોજના’ના કુલ ૩૭૦૨ લાભાર્થીઓ તથા વિયાણ બાદ ખાણ દાણ સહાય યોજના હેઠળના કુલ ૩૪૭૩ એમ કુલ ૭૧૭૫ લાભાર્થીઓને અમર ડેરી દ્વારા બનાવાયેલ દાણ આપવાનુ સરકાર દ્વારા નક્કી કરાયું છે. આ યોજના હેઠળ આજથી અમર દાણ ફેકટરી પરથી સંઘના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, નાયબ પશુપાલન નિયામક ડો. કુનડીયા, ઘનિષ્ટ પશુ નિયામક ડો. દેસાઈ અને મેનેજીંગ ડિરેકટર ડો.આર. એસ.પટેલની ઉપસ્થિતીમાં ગાડીઓને લીલીઝંડી આપી દાણ વિતરણની શુભ શરૂઆત કરવામાં આવી હતી. તેમ અમર ડેરીની અમર દાણ ફેકટરીના મેનેજર નિશિત વામજાની યાદીમાં જણાવાયું છે.