બોટાદના તુરખા રોડ પર આવેલા ગોપાલનગર ખાતે રહેતા કરમશીભાઈ રામજીભાઈ મકવાણાના દીકરાની છત્રીવાળા ખાંચામાં આવેલી લાઈબ્રેરી સામે એક નવી હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે બાંધકામ માટે મગાવેલો સામાન રોડ પર પડેલો હોવાથી અને બાંધકામ સમયે સિમેન્ટ, પાણી ઊડતું હતું. ત્યારે અવારનવાર પાડોશમાં રહેતા વિશાલ, કાળુભાઈ, અને એક અજાણ્યા શખસોને મુશ્કેલી પડી રહી હતી. જેથી અવારનવાર કરમશીભાઈ સાથે તેમની બોલાચાલી પણ થતી હતી. જોતજોતાંમાં આ બોલાચાલીએ એક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે બોલાચાલીમાં એકબીજાને ગાળો આપતાં આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને કરમશીભાઈ રામજીભાઈ મકવાણાને પાવડા વડે આડેધડ ઘા મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. કરમશીભાઈને હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ડોક્ટરના પિતા પર પાડોશમાં રહેતા 3 શખસે પાવડા વડે હુમલો કરી કરમશીભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એને પગલે પોલીસે CCTV આધારે વધુ તપાસ હાથ ધરી છે. એમાં ફરિયાદીએ આરોપી વિશાલભાઈ, કાળુભાઈ, અને એક અજાણ્યા શખસ એમ ત્રણેય વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે IPC કલમ 325,323,504,506(2),114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ, ફરિયાદીની 3-4 મહિના પહેલાં પણ પાડોશમાં રહેતા સાથે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ સમાધાન થઈ ચૂક્યું હતું, જે આજરોજ ફરી બોલાચાલી કરી હતી.