કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં 90મી ઇન્ટરપોલ મહાસભાને સંબોધિત કરતી વખતે આતંકવાદનો ઉલ્લેખ કરીને ભારતના લક્ષ્ય વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે અને આતંકવાદ નાનો કે મોટો નથી હોતો. ભારતનું લક્ષ્ય આતંકવાદની કમર તોડવાનું છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આતંકવાદ માનવ અધિકારો માટે સૌથી મોટો ખતરો છે અને ક્રોસ બોર્ડર ટેરરિઝમ સામે લડવા માટે ઇન્ટરપોલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમિત શાહે કહ્યું કે, વર્ષ 2023માં આગામી 91મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલી ઓસ્ટ્રિયામાં યોજાશે અને સાથે જ કહ્યું કે આતંકવાદને રાજકીય સમસ્યા તરીકે ન જોવો જોઈએ.
મારી સલાહ એ દેશોને છે જે…: અમિત શાહ
ભારત તમામ પ્રકારના વૈશ્વિક આતંકવાદ સામે લડવા માટે દરેકની સાથે ઊભું છે, તમામ મદદ માટે તૈયાર છે. તેમણે કહ્યું, મારી સલાહ એ તમામ દેશોને છે જે ઇન્ટરપોલના સભ્ય છે. તેઓએ રિયલ ઇન્ફોર્મશન શેરિંગ મિકેનિઝમ તૈયાર કરવું જોઈએ.
અમિત શાહે વધુમાં કહ્યું કે, છેલ્લા 100 વર્ષમાં ઈન્ટરપોલ વિશ્વના 195 દેશોનું એક વ્યાપક અને અસરકારક મંચ બની ગયું છે, જે સમગ્ર વિશ્વમાં ગુનાઓ પર કડક કાર્યવાહી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત ઈન્ટરપોલના સૌથી જૂના સભ્યોમાંથી એક છે.