IIT ખડગપુરમાં આસામના એક વિદ્યાર્થીના મોતનો મામલો વધુ ગરમાઈ રહ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ મામલે પહેલ કરી છે. મામલાની તપાસ માટે સીએમ હિમંતા બિસ્વા સરમાએ ગુરૂવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો છે.
પત્રમાં મુખ્યમંત્રી હિમંતા સરમાએ ખડગપુરના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં આસામના વિદ્યાર્થીના મોતની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. જણાવી દઈએ કે IIT ખડગપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો ત્રીજા વર્ષનો વિદ્યાર્થી ફૈઝાન અહેમદ 14 ઓક્ટોબરે તેના હોસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. વિદ્યાર્થી ફૈઝાન અહેમદ આસામના તિનસુકિયા જિલ્લાનો રહેવાસી હતો.
માતાપિતાએ પોલીસમાં કરી ફરિયાદ
ફૈઝાનના માતા-પિતાએ ખડગપુરમાં સ્થાનિક પોલીસમાં કેસ નોંધાવ્યો છે. આ સાથે જ માતા-પિતાએ બંગાળના પશ્ચિમ મેદિનીપુરના પોલીસ અધિક્ષક અને ખડગપુર (શહેર) પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ પાસેથી તપાસની માંગ કરી છે. તેમનો આરોપ છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે.
આસામમાં શોકની લહેર
આને ધ્યાનમાં રાખીને આસામના મુખ્યમંત્રી ડૉ. સરમાએ તેમના સમકક્ષ મમતા બેનર્જીને એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, “મુખ્યમંત્રી બેનર્જી એ સત્ય જાણવા માટે સંપૂર્ણ રીતે તપાસ કરાવવા માટે હસ્તક્ષેપ કરે, જેના કારણે હોશિયાર વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. ફૈઝાન અહેમદના અકાળે મૃત્યુથી આસામમાં શોકની લહેર છે.”
કલાકો સુધી ફૈઝાનનો સંપર્ક થઈ શક્યો ન હતો
IIT ખડગપુરના રજિસ્ટ્રાર તમલનાથના જણાવ્યા અનુસાર, જ્યારે ફૈઝાન અહેમદનો કલાકો સુધી સંપર્ક થઈ શક્યો ન હતો, ત્યારે તેની હોસ્ટેલનો દરવાજો તોડવામાં આવ્યો હતો, જ્યાં તેનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે IITના અન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, હજુ સુધી કોઈ ષડયંત્રની શંકા નથી અને વહીવટીતંત્ર વિદ્યાર્થી સાથે સંબંધિત તમામ પરિસ્થિતિની તપાસ કરી રહ્યું છે. વિદ્યાર્થીના મિત્રોના જણાવ્યા અનુસાર, તે છેલ્લે 13 ઓક્ટોબરે જોવા મળ્યો હતો.