આ વર્ષની ધનતેરસ બિઝનેસની દ્રષ્ટિએ ખાસ રહેવાની છે. બે વર્ષ સુધી કોરોનાના પડછાયામાં રહ્યા બાદ આ વખતે લોકો આ તહેવારની ઉજવણી ખુલ્લેઆમ કરી રહ્યા છે. તેની અસર ધનતેરસ અને દિવાળીની ખરીદી પર પણ જોવા મળી રહી છે. ધનતેરસ માટે જ્યાં પેસેન્જર વાહનોનું રેકોર્ડ બુકિંગ થયું છે, તો બીજી તરફ રિટેલ બિઝનેસ પણ 1.50 લાખ કરોડને પાર કરી શકે છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (FADA)ના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે આ ધનતેરસ ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ઉત્તમ સાબિત થશે. આ ધનતેરસ માટે પેસેન્જર વાહનોનું રેકોર્ડ બુકિંગ કરવામાં આવ્યું છે. મહિન્દ્રાની સ્કોર્પિયો એન અને તાજેતરમાં લૉન્ચ થયેલી મારુતિની ગ્રાન્ડ વિટારાનું એક લાખથી વધુ બુકિંગ છે. ખાસ વાત એ છે કે, વર્તમાન નાણાકીય વર્ષની સાથે તહેવારોની સીઝનમાં પેસેન્જર વાહનોનું બુકિંગ આ દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ધનતેરસ-દિવાળી માટે શણગારવામાં આવેલા બજારોમાં અપેક્ષા કરતાં વધુ ભીડ જોવા મળી રહી છે. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 નવેમ્બર સુધી તહેવારોની સિઝનમાં દેશભરના છૂટક બજારોમાં રૂ. 1.50 લાખ કરોડ વધુનું વેચાણ જોવા મળી શકે છે, જે પ્રી-કોરોના સ્તર એટલે કે 2019ના સ્તર કરતાં 60,000 કરોડ વધુ છે. તે દરમિયાન રિટેલ માર્કેટમાં 90,000 કરોડનું વેચાણ થયું હતું. ગત વર્ષે તહેવારોની સિઝનમાં વેચાણનો આંકડો 1.25 લાખ કરોડ હતો.
બે વર્ષ સુધી કોરોનાના પડછાયામાં જીવ્યા બાદ આ વખતે લોકો તહેવારોમાં છૂટથી વિતાવી રહ્યા છે
ગત વર્ષે 1.25 લાખ કરોડનું છૂટક વેચાણ થયું હતું
રાયનો દાવોઃ રિટેલ માર્કેટ પર ઓનલાઇનની કોઈ અસર નથી
રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (RAI)ના સીઈઓ કુમાર રાજગોપાલન કહે છે કે, તહેવારો દરમિયાન છૂટક બજારોમાં ઓનલાઈન વેચાણ પર કોઈ અસર જોવા મળતી નથી કારણ કે ઑફલાઈન દુકાનદારો પણ હવે સામાનની હોમ ડિલિવરી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વખતે લોકો મુક્તપણે ખર્ચ કરવા માંગે છે. તેથી, આ ધનતેરસ-દિવાળી રિટેલ બિઝનેસ 2019 અને 2020 ની સરખામણીમાં 25 % વધવાની ધારણા છે.