દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે દિવાળીમાં દિપોત્સવનું ઘણું મહત્વ રહેલું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતના મંદીરોમાં દીવાઓના પ્રકાશથી ઉજાસ જોવા મળતો હોય છે ત્યારે ગાંધીનગરના સેક્ટર 20 સ્થિત અક્ષરધામ મંદિરને છેલ્લા 29 વર્ષથી દીવાઓથી શણગારી અનોખી રોશની કરવામાં આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવેલા દીપોત્સવનો આ કાર્યક્રમ આ વખતે પણ ઉજવાશે.
પ્રતિ વર્ષ દીપાવલીથી લાભપાંચમ સુધી અક્ષરધામમાં હજારો દીવડાઓ પ્રગટાવી ‘ઉજાસનો ઉત્સવ’ મનાવવામાં આવે છે જેનો લાભ હજારો દર્શનાર્થીઓ આશરે એક સપ્તાહ સુધી માણે છે.
આ વર્ષે અક્ષરધામના સર્જક બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે ૧૫-૦૧-૨૩ સુધી દિવ્યતા અને ભવ્યતાપૂર્વક ઉજવાશે.
એમના શતાબ્દી પર્વે આ વર્ષે અક્ષરધામ હજારો દીવડાઓ વચ્ચે પ્રકાશથી દેદીપ્યમાન બની દર્શનાર્થીઓના જીવનમાં પ્રેમ, કરૂણા, શાંતિ, સૌહાર્દ, સંવાદિતા, વિશ્વબંધુત્વ, સાંસ્કૃતિક અસ્મિતા આદિ અનેકવિધ દીવડાઓ પ્રગટાવી જીવનને ઉન્નત બનાવવાનો સંદેશ વહાવશે.
વોટર શૉ તેમજ પ્રદર્શનો સહિત અક્ષરધામ સંકુલના તમામ આકર્ષણો સોમવાર, તા. ૨૪-૧૦-૨૨ના રોજ પણ માણી શકાશે(ખુલ્લા રહેશે).
તા. ૨૪-૧૦-૨૨, સોમવારથી તા. ૩૦-૧૦-૨૨, રવિવાર સુધી દર્શનાર્થીઓ આંતરિક ઉજાસના આ ઉત્સવને માણી શકશે.
આયોજન દીપાવલીના આગલા દિવસે તા. ૨૩-૧૦-૨૨, રવિવારના સાંજે ૫:૪૫ થી ૭.૪૫ સુધી દીવા પ્રજ્વલિત કરવામાં આવશે
અક્ષરધામના ગેટ-૪થી પ્રવેશ કરી આ નજારો નિહાળી શકાશે.