ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જલ્દી જ યોજવા જઈ રહી છે. દિવાળી પછી ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે એ પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમી વધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ખોડલધામ ટ્રસ્ટના અન્ય 2 સભ્યોએ 45 મિનિટ સુધી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત અંગે એવું કહેવાઈ રહ્યું છે કે ખોડલધામના એક કાર્યક્રમ અંગે આ મુલાકાત કરવામાં આવી હતી. માહિતી અનુસાર, નરેશ પટેલની સાથે રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની ઘણી બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ પાટીદારો અને કોળી મતદારોની ચર્ચા થવા લાગે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રની ઘણી બેઠકો પર પાટીદાર સમાજના મતદારો વધુ છે. જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બનાવવામાં આવ્યા છે ત્યારથી ગુજરાતના પાટીદાર મતદારોને રીઝવવાના પ્રયાસો શરુ થઈ ગયા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો પર જીત મળી હતી. જયારે કોંગ્રેસના ખાતામાં 77 સીટો આવી હતી. એવું કહેવાય રહ્યું છે કે પાટીદાર સમાજની નારાજગીને કારણે ભાજપ 100ના આંકડા પર પણ પહોંચી શકી ન હતી. એ સમયે પાટીદાર આંદોલન આનું મુખ્ય પરિબળ બન્યું હતું. ત્યારે જો હવે ભાજપે વધુ સીટો પર જીત મેળવવી હોય તો પાટીદારોને પોતાના પક્ષમાં કરવા પડશે.
વર્ષ 2012માં ભાજપને 115 સીટો પર જીત મળી હતી, પણ પાટીદાર આંદોલન પછી નારાજ સમાજે કોંગ્રેસને વોટ આપીને ઘણી સીટો પર કોંગ્રેસને જીત અપાવી હતી. સાથે જ એ પણ ઉલ્લેખનીય છે કે 2021ની સ્થાનિક ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટી જીતી હતી. જથી હવે ભાજપને પણ એવો ભય છે કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી જશે, જેથી ભાજપ પહેલેથી જ તૈયારીઓ કરી રહ્યું છે.
જણાવી દઈએ કે દિવાળી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થશે. માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થઈ શકે છે. પ્રથમ તબક્કો નવેમ્બરના અંતની આસપાસ અને બીજો તબક્કો 4-5 ડિસેમ્બરની આસપાસ હોઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 8મી ડિસેમ્બરે થઈ શકે છે. 14મી ગુજરાત વિધાનસભાની મુદત 18 ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. અગાઉ, ડિસેમ્બર 2017માં 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.