અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મોહનભાઈ સોજીત્રાના પૌત્ર મીતનું સાવરકુંડલા રોડ ઉપરથી વ્યાજના નાણાંની ઉઘરાણી કરવાના ઈરાદે એક ઈસમે ગાડીમાં ઉપાડી જઈ અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાતા અમરેલીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવમાં અમરેલીના ચકકરગઢ રોડ, પટેલ સંકુલ સામે આવેલ એન્જલ-4માં રહેતા હીનાબેન અશોકભાઈ સોજીત્રાએ અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અમરેલી તાલુકાના કેરીયાચાડ ગામે રહેતા આરોપી ઉદયભાઈ રાવતભાઈ ધાધલે અગાઉ પોતાના મોટા દીકરા વિપુલને ઉંચા વ્યાજના દરે પૈસાનું ધિરાણ કરેલ હોય, જેના રૂા. 16 લાખ લેવાના હોય, તે પૈસાની વસુલાત માટે હીનાબેનના બીજા દીકરા મીતને અગાઉ ફોન કરી પૈસા ચૂકવવા પડશે અને જો પૈસા નહીં ચૂકવે તો અપહરણ કરવાની ધમકી આપેલ હતી.
ત્યારે ફરિયાદી હીનાબેનનો દીકરો મીત સાવરકુંડલા રોડ ઉપર આવેલ નવા માર્કેટયાર્ડ ખાતે પોતાની નોકરી કરી પરત પોતાના ઘર તરફ આવી રહયો હતો ત્યારે આરોપી ઉદયભાઈ રાવતભાઈ ધાધલે તેને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે અપહૃાત યુવકને છોડાવવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અપહરણકર્તાએ સાંજના સમયે બાબાપુર નજીક મીત સોજીત્રાને મુકત કરી નાશી ગયા હતો પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.