દિવાળી પહેલા દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર પ્રદૂષણ વધ્યું છે. દિવાળી પર ફટાકડા ફોડવાની સાથે તેમાં વધુ વધારો થવાની ખાતરી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દાવો કર્યો હતો કે એશિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 8 ભારતના છે અને દિલ્હી આ યાદીમાં સામેલ નથી.
એક અહેવાલને ટાંકીને, તેમણે દાવો કર્યો કે થોડા વર્ષો પહેલા દિલ્હીને વિશ્વના “સૌથી પ્રદૂષિત શહેરોમાં” ગણવામાં આવતું હતું પરંતુ હવે નહીં. મુખ્યમંત્રીએ ટ્વિટર પર મીડિયા રિપોર્ટ શેર કર્યો અને લખ્યું, “એશિયાના 10 પ્રદૂષિત શહેરોમાંથી આઠ ભારતના છે અને આ યાદીમાં દિલ્હીનો સમાવેશ નથી. થોડા વર્ષો પહેલા સુધી દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. હવે નથી.”
તેમણે જો કે કહ્યું કે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “દિલ્હીના લોકો સખત મહેનત કરે છે. આજે અમે ઘણો સુધારો કર્યો છે પરંતુ હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. અમે સખત મહેનત કરતા રહીશું જેથી કરીને અમે વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન મેળવી શકીએ.” તેમણે કહ્યું કે અમે દિલ્હીને વિશ્વનું શ્રેષ્ઠ શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.