દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજા સાથે ખુશીઓ વહેંચી રહ્યા છે. જોકે નાપાક ઈરાદા ધરાવનારે શ્રીનગરમાં તહેવારને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ નિષ્ફળ ગયા. વાસ્તવમાં, સુરક્ષા દળોને બારામુલ્લા-શ્રીનગર હાઈવે પર સ્થિત અંસારી ટોયોટા ચોક પાસે એક શંકાસ્પદ બેગ મળી જેમાં ગેસ સિલિન્ડર હતો. સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે તેને નષ્ટ કરી દીધો.
તમને જણાવી દઈએ કે આતંકીઓ ઘણીવાર આઈડી બ્લાસ્ટમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળોએ મોટી દુર્ઘટના ટાળી હતી.
સિલિન્ડર બેગમાં રાખવામાં આવ્યો હતો
મળતી માહિતી મુજબ, એક બેગમાં રાખવામાં આવેલા આ સિલિન્ડરને પેટ્રોલિંગ દરમિયાન 2 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ જોયો હતો. તેમણે તરત જ હાઇવે પર વાહનોની અવરજવર અટકાવી દીધી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને તેની જાણ કરી હતી. આ પછી તેમણે સાવચેતી તરીકે તેનો નાશ કર્યો હતો.
PM મોદીએ દિવાળી પર જવાનોનું મનોબળ વધાર્યું
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરી એકવાર દિવાળી મનાવવા કારગિલ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી આખો સમય સૈનિકોની વચ્ચે જોવા મળ્યા હતા. અહીં તેમણે ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન જવાનો ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાતા હતા. તેમણે પીએમ સાથે તસવીરો પણ પડાવી હતી. વડાપ્રધાનને પોતાની વચ્ચે જોઈને જવાનોનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો હતો. ભારતીય સેનાના જવાનોએ પીએમ મોદીના આગમનની ખુશીમાં દેશભક્તિના ગીતો ગાયા હતા. પીએમ મોદીએ પણ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું હતું.
PM એ જવાનોને સંબોધિત કર્યા
સેના સાથે વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતે હંમેશા યુદ્ધને અંતિમ ઉપાય તરીકે જોયુ છે. પરંતુ તાકાત વિના શાંતિ પણ હાંસલ કરી શકાતી નથી. જો કોઈ અમારી તરફ ખરાબ નજરથી જોવાની હિંમત કરશે તો અમારા ત્રણેય સશસ્ત્ર દળો જડબાતોડ જવાબ આપશે.